પંચકુલા (હરિયાણા): બની બેઠેલા સ્વામી, ડેરા સચા સૌદા સંપ્રદાયના વડા ગુરમીત રામ રહીમસિંહને એમના ભૂતપૂર્વ મેનેજર રણજીતસિંહની 2002માં હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રામ રહિમસિંહ આ કેસના સંદર્ભમાં આરોપી અને અપરાધી જાહેર કરાયા બાદ ક્યારનો જેલમાં જ છે.
પંચકુલા શહેરમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે રામ રહીમસિંહ તતા અન્ય ચાર અપરાધીઓને આજે સજા સંભળાવી છે. અન્ય ચારના નામ છે – સબદિલ, અવતાર, જસવીર અને કૃષ્ણલાલ. આ પાંચેય જણને રણજીતસિંહની હત્યા માટે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ગઈ 8 ઓક્ટોબરે અપરાધી જાહેર કર્યા હતા. રણજીતસિંહ ડેરા સચા સૌદા સંપ્રદાયનો અનુયાયી પણ હતો. 2002ની 10 જુલાઈએ એને ઠાર મારવામાં આવ્યો હતો. આ સંપ્રદાયના વડા દ્વારા ડેરા મુખ્યાલયમાં સ્ત્રીઓનું કેવી રીતે જાતીય શોષણ કરવામાં આવે છે એવું દર્શાવતો એક નનામો પત્ર સર્ક્યૂલેટ કરવામાં રણજીતસિંહનો હાથ હોવાની શંકા પરથી એમની હત્યા કરવામાં આવી હતી. ડેરા વડા રામ રહીમસિંહે રણજીતસિંહની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ કેસની તપાસ સીબીઆઈને સોંપાયા બાદ સીબીઆઈએ 2003ની 3 ડિસેમ્બરે એફઆઈઆર નોંધી હતી. રામ રહિમસિંહ પહેલેથી જ જેલમાં છે.