શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના સૌથી લોકપ્રિય પર્યટક રિસોર્ટ્સ અને હિલ સ્ટેશનો એટલે ગુલમર્ગ અને પહલગામ. આ બંને સ્થળે શિયાળાની ઋતુની મજા માણવા માટે પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આવતા અનેક અઠવાડિયાઓ સુધી તમામ હોટેલ્સ તથા આવાસો બૂક થઈ ગયા છે. શ્રીનગર, ગુલમર્ગ સહિતના વિસ્તારોમાં કોરોના બીમારી સતત ઘટી રહી છે.
ગુલમર્ગમાં સૌથી મોંઘા એવા ખૈબર રિસોર્ટ એન્ડ સ્પામાં બધી રૂમ્સ-કોટેજીસ જાન્યુઆરી, 2021ના પહેલા પખવાડિયા સુધી પૂરેપૂરી બુક થઈ ગયા છે. પર્યટન વિભાગના એક સિનિયર સલાહકાર 31 ડિસેમ્બરે એક મહત્ત્વના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુલમર્ગ આવવાનું છે, પણ એમને માટેય ક્યાંય કોઈ રૂમ ભાડેથી મળતી નથી, એમ પર્યટન વિભાગના સહાયક ડાયરેક્ટર ડો. જાવેદ-ઉર-રેહમાનનું કહેવું છે. દરરોજ 700-800 જેટલા પર્યટકો ગુલમર્ગ આવે છે. હાલમાં જ હિમવર્ષા થતાં ગુલમર્ગમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે એટલે પર્યટકોનાં ટોળાને ટોળાં ઉમટી રહ્યા છે. ગુલમર્ગમાં 1 જાન્યુઆરી, 2021થી પ્રોફેશનલ સ્કીઈંગ હરીફાઈઓ યોજાવાની છે, જે 3 મહિના સુધી ચાલશે. જાન્યુઆરી મહિનામાં જ ખેલો ઈન્ડિયા નેશનલ ગેમ્સ પણ યોજાવાની છે.