નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એમના 45મા માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં એમના વિચારો દેશની જનતા સમક્ષ રજૂ કર્યા હતા. વડા પ્રધાને ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ વિશે કહ્યું કે જીએસટી એ પ્રામાણિકતાની જીત છે. એ સહકારી સમવાયતંત્રનું પ્રતીક છે. હવે બધું ઓનલાઈન થઈ રહ્યું છે.
મોદીએ કહ્યું કે, આ નવી કર વ્યવસ્થા દેશમાં લાગુ કરાઈ એને એક વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે. એક જ વર્ષમાં આ વ્યવસ્થાએ સ્થિરતા હાંસલ કરી લીધી છે એ દેશ માટે મોટી સફળતા છે.
‘એક દેશ, એક ટેક્સ’ હોય એવું દેશનાં લોકોનું એક સપનું હતું. આ આજે હકીકત બની ગયું છે. આની સફળતા માટે જો સૌથી વધારે કોઈને શ્રેય દેવો હોય તો હું રાજ્યોને દઉં છું. જીએસટી સહકારી સંઘવાદનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે, જ્યાં તમામ રાજ્યોએ સાથે મળીને દેશના હિતમાં નિર્ણય લીધો અને એને લીધે જ કર વ્યવસ્થામાં આટલો મોટો સુધારો લાગુ કરી શકાયો છે.
મોદીએ વધુમાં કહ્યું કે, જીએસટી કાઉન્સિલની અત્યાર સુધીમાં 27 બેઠકો થઈ ચૂકી છે. એ બેઠકોમાં જુદી જુદી રાજકીય વિચારધારાના અને જુદા જુદા રાજ્યના લોકો ભાગ લે છે. તે છતાં જીએસટી પરિષદમાં અત્યાર સુધીમાં જે કોઈ નિર્ણય લેવાયા છે એ બધા સર્વસંમત્તિથી લેવામાં આવ્યા છે.