જસ્ટિસ ચેલમેશ્વરની નિવૃત્તિ બાદ SCનું નવું રોસ્ટર, જસ્ટિસ ગોગોઈને અપાયા મહત્વના મામલા

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટમાં જજના વરિષ્ઠતા ક્રમમાં બીજા નંબરના જજ જસ્ટિસ ચેલમેશ્વરની નિવૃત્તિ બાદ સુપ્રીમ કોર્ટનું નવું રોસ્ટર જારી કરવામાં આવ્યું છે. મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા દ્વારા જારી કરાયેલું નવું રોસ્ટર 2 જુલાઈથી અમલમાં આવશે.સુપ્રીમ કોર્ટમાં રોસ્ટર સિસ્ટમના અમલીકરણ બાદ પ્રથમ રોસ્ટર 5 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે આ બીજું રોસ્ટર જસ્ટિસ ચેલમેશ્વરના નિવૃત્ત થયા બાદ રિલીઝ કરવામાં આવી રહ્યું છે. નવા રોસ્ટર અનુસાર પણ ભારતના મુખ્ય ન્યાયાધીશ જનહિતની અરજીઓ પર સુનાવણી કરશે.

નવા રોસ્ટર અનુસાર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જનહિતની અરજી, ચૂંટણી સંબંધી અરજી, કોર્ટના આદેશની તિરસ્કાર સંબંધી અરજી, સામાજિક ન્યાય, ફોજદારી કેસ અને બંધારણીય પદ પર નિમણૂંક સહિતના અન્ય મહત્વપૂર્ણ મામલે સુનાવણી કરશે.

જસ્ટિસ રંજન ગોગોઈ પાસે રહેશે આ મામલા…

વરિષ્ઠતા ક્રમમાં હવે બીજા નંબરના જજ જસ્ટિસ રંજન ગોગોઈ પાસે અદાલતના તિરસ્કાર, ધાર્મિક બાબતોના મામલા, પર્સનલ લો, બેન્કિંગ, સરકારી કોન્ટ્રાક્ટ, શ્રમ, ટેક્સ, જમીન સંપાદન, નાગરિક, ન્યાયિક અધિકારીઓ સાથે સંબંધિત બાબતો અને એક્સાઈઝ ઉપરાંત RBI અને સેબી સહિતના કેસ રહેશે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ જે. ચેલમેશ્વર ગત 22 જૂને નિવૃત્ત થયા છે. તેમણે બાર અને બેન્ચમાં 42 વર્ષ કામ કર્યું. નિવૃત્તિ બાદ જસ્ટિસ ચેલમેશ્વરે એક મુલાકાતમાં જણાવ્યું કે, તેમને પોતાની 42 વર્ષની કારકિર્દી અંગે કોઈ જ દિલગીરી નથી.