બેરોજગારી દૂર કરવા સરકારનો નવો પ્રયત્ન, અહીં મળે નોકરીની તમામ જાણકારી…

નવી દિલ્હીઃ બેરોજગારીની સમસ્યા સરકાર સામે મોટો પડકાર છે. આ મુદ્દાનું સમાધાન લાવવા માટે સરકાર એક નવું પગલું ભરવા જઈ રહી છે. સરકાર પ્રાઈવેટ કંપનીઓને બીજીવાર આગ્રહ કરશે કે તેઓ પોતાના ત્યાં નોકરી આપવા માટે નેશનલ કરિયર સર્વિસ સેન્ટરનો ઉપયોગ કરે. હકીકતમાં સર્વિસ સેન્ટર પર રજિસ્ટર્ડ બેરોજગારોની સંખ્યા વધી રહી છે, પરંતુ તેને અનુરુપ નોકરીઓની કમી છે. આ સેન્ટર પર રજિસ્ટર્ડ બેરોજગારોની સંખ્યા 1 કરોડથી પર ઉપર પહોંચી ગઈ છે. હવે સરકાર ઈચ્છે છે કે તમામ નાનીમોટી નોકરીઓની સૂચના અહીં આપવામાં આવે, જેથી નોકરીઓ શોધી રહેલા યુવાનોને તક મળી શકે.

નેશનલ કરિયર સર્વિસને 2015માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારે ડીઓપીટી દ્વારા તમામ સરકારી મંત્રાલયો અને વિભાગોને જાહેર કરવામાં આવેલા એક નિર્દેશમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈપણ સરકારી પદ પર નિયુક્તિ થવાની હોય તો આની જાણકારી નેશનલ કરિયર સર્વિસ સેન્ટર પર આપવી અનિવાર્ય હશે. આ સેન્ટરના ગઠન પહેલા સૂચના માત્ર રોજગાર સમાચારમાં આપવામાં આવતી હતી. નિર્દેશ અનુસાર યૂપીએસસી અને એસએસસીની પરિક્ષાને બાદ કરતા તમામ પ્રકારની નોકરી વિશે સૂચના આના પર મળી રહેશે. જો કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે પ્રાઈવેટ કંપનીઓને દબાણ કરીને આ કામ કરવાનું નહીં કહી શકે.

સરકારની યોજના છે કે ઓછામાં ઓછા ત્રણ ડઝન શહેરોમાં નેશનલ કરિયર સેન્ટર ખોલવામાં આવે. આમાં કેન્દ્ર સરકારની તમામ પ્રકારની નોકરીઓ મામલે જાણકારી આપવી જરુરી હશે. લોકલ સ્તર પર ડ્રાઈવર, પ્લમ્બર જેવી સેવાઓમાં પણ વધારે વેતન સાથે નોકરી અપાવવામાં આવશે. મુદ્રા લોન અંતર્ગત પોતાનો વ્યવસાય સ્થાપિત કરનારા લોકો માટે પણ અહીંયા નોકરીઓની સૂચના આપવાની રહેશે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોદી સરકાર આવનારા કેટલાક દિવસોમાં સરકારી નોકરી આપવા માટે સૌથી વધારે લોકપ્રિય અને ઉપયોગી વેબસાઈટ બનાવવાની તૈયારીમાં છે. સરકાર આને પ્રચારિત કરવા અને ઉપયોગી બનાવવા માટે મોટી યોજના બનાવી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે તમામ મંત્રાલયો અને વિભાગોને કહ્યું છે કે તેઓ પોતાના ત્યાં થનારી દરેક નિયક્તિ મામલે જાણકારી પબ્લિક ડોમેનમાં નાંખે.

ડીઓપીટીના નિર્દેશ અનુસાર દર ત્રણ મહિને તેમને પોતાની વેબસાઈટ પર આખું લિસ્ટ આપવાનું રહેશે જેથી તે સમયગાળા દરમિયાન તેમના ત્યાં કઈ નવી નવી નિયુક્તિ થઈ અને તેની પ્રક્રિયા શું રહી તે મામલે જાણકારી મળી શકે. આવું સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશનના નિર્દેશ પર થયું છે. ડીઓપીટી અનુસાર 31 માર્ચ બાદ થયેલી નિયુક્તિઓ મામલે જાણકારી આપવાની રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]