મ્યૂકોરમાઈકોસિસ ચેપ સામે આ સાવચેતીઓ રાખવી જરૂરી

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ બીમારીમાંથી અનેક દર્દીઓ સાજા થઈ ગયા છે, પરંતુ ઘણાય હવે મ્યૂકોરમાઈકોસિસ અથવા બ્લેક ફંગસની નવી તકલીફનો સામનો કરી રહ્યાં છે. આમાં દર્દીઓની આંખો ખરાબ થઈ જાય છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારના ચેપને કારણે આઠ જણે જાન ગુમાવ્યા છે અને 200 જેટલાની સારવાર ચાલી રહી છે. ગુજરાતમાં પણ આ ચેપના કેસ ધ્યાનમાં આવ્યા છે. વાસ્તવમાં, મ્યૂકોરમાઈકોસિસ એક પ્રકારની ફંગસ છે, જે ભીની સપાટી પર જોવા મળે છે. કોરોનાના દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવે છે. એમાં ભેજયુક્ત પાણીની માત્રા હોય છે. એનાથી પણ આ ચેપ લાગવાનો ખતરો વધી જાય છે.

સરકારે આ નવા ચેપ સામે કેટલીક ચેતવણીઓ આપી છે. હવામાંથી ફંગસવાળા કણ શ્વાસમાં ગયા બાદ વ્યક્તિના ફેફસાંને માઠી અસર પડી શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ICMR સંસ્થાએ માર્ગદર્શિકા તૈયાર કરી છે, જેમાં નીચે મુજબની ચેતવણી અને લક્ષણોની જાણકારી આપવામાં આવી છેઃ

  • આંખોની આસપાસ કે નાકની આસપાસ દુખાવો થાય અને ત્વચા લાલ થઈ જાય
  • તાવ
  • માથામાં દુખાવો
  • ઉધરસ
  • શ્વાસ લેવામાં તકલીફ
  • લોહીવાળી ઊલટી
  • માનસિક સ્થિતિમાં ફેરફાર આવે

આને કારણે તકલીફ થઈ શકે

  • નિરંકુશ ડાયાબિટીસ
  • સ્ટેરોઈડ્સના ઉપયોગને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે
  • આઈસીયૂમાં લાંબા સમય સુધી રહેવું પડવાથી
  • કો-મોર્બિડિટીઝ (ટ્રાન્સપ્લાન્ટ/મેલિગ્નન્સી બાદ)
  • વોરિકોનાઝોલ થેરાપી

આમ કરવું:

  • લોહીમાં સાકરનું પ્રમાણ અંકુશમાં રાખવું
  • બ્લડ ગ્લુકોઝનું લેવલ સતત ચેક કરતા રહેવું
  • સ્ટરોઈડ્સનો સંભાળપૂર્વક ઉપયોગ કરવો – જેમ કે, સાચા સમયે, સાચો ડોઝ અને સાચી અવધિ
  • ઓક્સિજન થેરાપી દરમિયાન સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો
  • એન્ટિબાયોટિક્સ અને એન્ટીફંગલ્સ દવાઓનો સંભાળપૂર્વક ઉપયોગ કરવો

આમ ન કરવું:

  • ચેતવણીઓ અને લક્ષણોની અવગણના ન કરવી
  • ડોક્ટરને જાણ કરવાનું ટાળવું નહીં, જેથી જરૂરી ટેસ્ટ અને તપાસ કરાવી શકાય
  • મ્યૂકોરમાઈકોસિસ માટેની સારવાર શરૂ કરી શકાય એ માટે મહત્ત્વનો સમય ગુમાવવો નહીં

પ્રતિરોધક પગલાઃ

  • જો તમે કોઈ ધૂળવાળા બાંધકામ સ્થળની મુલાકાતે જવાના હો તો માસ્ક પહેરવું
  • જૂતાં પહેરવા, લાંબું પેન્ટ પહેરવું, લાંબી બાંયવાળું શર્ટ પહેરવું, જમીનને અડવાનું હોય (બાગકામ માટે) તો હાથમાં ગ્લોવ્સ પહેરવા
  • અંગત સ્વચ્છતા રાખવી, જેમ કે શરીરને ઘસીને નાહવું.

ક્યારે શંકા કરવી:

(કોવિડ-19 દર્દીઓ, ડાયાબિટીસના દર્દીઓમાં કે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય એવા લોકોમાં)

  • સાઈનસ (સાઈનસાઈટિસ) – નાક બંધ થઈ જાય નાકમાં ભરાવો થાય, હડપચી પર દુખાવો થાય, સોજો જણાય
  • નાકની આસપાસ કાળા ડાઘ પડે
  • દાંતમાં દુખાવો થાય, દાંત ઢીલા પડે
  • આંખોમાં ઝાંખપ લાગે, બધું ડબલ દેખાય સાથે દુખાવો પણ થાય, તાવ હોય,
  • છાતીમાં દુખે, શ્વાસ લેવામાં તકલીફ થાય