હિમંત બિશ્વા શર્મા બનશે આસામના નવા મુખ્યપ્રધાન

ગુવાહાટીઃ ઈશાન ભારતના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રગણ્ય વ્યૂહબાજ અને પક્ષના સિનિયર નેતા હિમંત બિશ્વા શર્મા આસામ રાજ્યના નવા મુખ્ય પ્રધાન બનશે. આજે એમને ભાજપના નવા ચૂંટાયેલા વિધાનસભ્યોએ ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે. આસામમાં હાલમાં જ યોજાઈ ગયેલી વિધાનસભાની ચૂંટણીમાં જ્વલંત જીત હાંસલ કરીને ભાજપે સતત બીજી વાર સત્તા હાંસલ કરી છે.

અત્રે આસામ વિધાનસભા કેમ્પસ ખાતે યોજાઈ ગયેલી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં 52-વર્ષીય શર્માને નેતા તરીકે ચૂંટણી કાઢવામાં આવ્યા હતા. એ વખતે વિદાય લેનાર મુખ્ય પ્રધાન સર્બનંદા સોનોવાલ તથા પક્ષના ચાર કેન્દ્રીય નિરીક્ષક નેતાઓ પણ ઉપસ્થિત હતા. મુખ્ય પ્રધાન તરીકે શર્માના નામની જાહેરાત કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કરી હતી. તેમણે કહ્યું હતું કે વિદાય લેતા મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનાવાલે ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે શર્માનું નામ સૂચવ્યું છે. તોમરે આમ કહ્યું એ સાથે જ બેઠકમાં હાજર વિધાનસભ્યોએ ટેકો આપ્યો હતો.

શર્મા 2001ની સાલથી પાંચ વખત જાલુકબારી વિધાનસભા બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે. સોનોવાલની સરકારમાં એ મહત્ત્વના ખાતાના પ્રધાન હતા. 126-સભ્યોની આસામ વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં ભાજપે 60 સીટ જીતી હતી. તેના જૂના સાથી પક્ષ અસોમ ગણ પરિષદ (એજીપી)એ 9 અને નવા સાથી પક્ષ યૂનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલે છ સીટ જીતી છે.