નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે ત્રણ જટિલ કૃષિ કાયદાઓના મુદ્દા પર ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, આ કાયદાઓના અમલના વિરોધમાં ખેડૂતો છેલ્લા આઠ મહિનાથી દિલ્હીના સરહદીય વિસ્તારોમાં આંદોલન કરી રહ્યાં છે.
લોકસભામાં, એક સવાલના જવાબમાં તોમરે કહ્યું હતું કે સરકાર અને ખેડૂતોના સંગઠનો વચ્ચે અત્યાર સુધીમાં મંત્રણાના 11 દોર થઈ ચૂક્યા છે. ખેડૂત સંગઠનો ચર્ચા કરવા માટે ક્યારેય તૈયાર થયા નથી, પરંતુ કાયદાને રદ કરાવવાની માગણીનું રટણ જ કર્યા કરે છે. અમે આ મુદ્દે એક સમિતિની રચના કરવાની ઓફર કરી છે, પરંતુ ખેડૂતોની એક જ માગણી છે કે કાયદાઓ રદ કરો. સરકાર આ મુદ્દે એમની સાથે ચર્ચા કરવા તૈયાર છે.