નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારતમાં દ્વિ-ચક્રી વાહનો પર ચાલકની પાછળ બેસનાર બાળકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવી દીધું છે. સરકારે હેલ્મેટના ઉત્પાદકોને જણાવ્યું છે કે તેઓ બાળકોની સાઈઝની હેલ્મેટ્સ પણ બનાવે. આ ઉપરાંત, બાળકોને એમની સલામતી માટે એડજસ્ટ થઈ શકે એવા સેફ્ટી હાર્નેસ (સુરક્ષા કવચ) પહેરવાનું પણ સરકારે ફરજિયાત બનાવી દીધું છે.
આ નવા નિયમનો ભંગ કરનારને રૂ. 1000નો દંડ કરાશે અને એનું ડ્રાઈવિંગ લાઈસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરાશે. સેન્ટ્રલ મોટર વેહિકલ્સ રૂલ્સ-1989માં કરાયેલા સુધારા મુજબ, ચાર વર્ષની વયનાં બાળકો માટે હેલ્મેટ અને સુરક્ષા કવચ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. બાળકને પાછળ કે આગળ બેસાડનાર ટૂ-વ્હીલર ચાલક માટે વાહનની મહત્તમ સ્પીડ પ્રતિ કલાક 40 કિ.મી.ની રાખવાનું પણ ફરજિયાત બનાવાયું છે.