ભારત, સાઉદી અરેબિયાની સેનાઓ વચ્ચે સહયોગનાં નવાં ક્ષેત્રો શોધાશે

નવી દિલ્હીઃ ભારત સાથેનો મિલિટરી સંબંધ મજબૂત કરવાના ઇરાદે સાઉદી અરેબિયાના મિલિટરી કમાન્ડર  લેફ્ટેનન્ટ જનરલ ફહદ બિન અબદુલ્લા મોહમ્મદ અલ-મુતાયર ત્રિદિવસીય મુલાકાત માટે દિલ્હી પહોંચ્યા છે. સાઉદી અરેબિયાના સેનાના કમાન્ડર ભારત આવ્યા હોય એવો આ સૌપ્રથમ ઘટના છે. તેમણે નવી દિલ્હી અને રિયાધની વચ્ચે વધતા દ્વિપક્ષી સંરક્ષણ સંબંધો મજબૂત કરવા માટે વાટાઘાટ કરી હતી. બંને દેશો વચ્ચે ઇન્ટેલિજન્સ શેરિંગ, સાઇબર સુરક્ષા, કાઉન્ટર ટેરરિઝમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બેને દેશો વચ્ચે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે.

સેનાધ્યક્ષ જનરલ MM નરવણેએ સાઉદીની લેન્ડ ફોર્સીસ કમાન્ડરની સાથે મંગળવારે વાતચીત કરી હતી. બંને દેશોના સેનાપ્રમુખોએ દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરવા માટે ભાર આપ્યો હતો. બંને દેશોની વચ્ચે સંરક્ષણ સંબંધોમાં ગયા વર્ષે ઉચ્ચ સ્તરની વાટાઘાટની સિરીઝ યોજવામાં આવી હતી અને ઓગસ્ટ-2021માં બંને દેશો વચ્ચે નેવીનો અભ્યાસ સંયુક્ત રીતે યોજવામાં આવ્યો હતો.

વળી, કોરોના રોગચાળાનાં નિયંત્રણો છતાં બંને દેશોની સેઓનાના અધિકારીઓએ વિવિધ મિલિટરી સંસ્થાઓમાં તાલીમ યોજી હતી. જોકે આ વર્ષે બંને દેશોની સેનાઓ વચ્ચે વધુ તાલીમ માટે અભ્યાસ યોજાવાનો છે અને આ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં સેના અભ્યાસ યોજાવાનો છે.

દિલ્હીના પ્રવાસ દરમ્યાન સાઉદી અરેબિયાના સેનાના પ્રમુખે નેશનલ ડેફિન્સ કોલેજની મુલાકાત પણ લીધી હતી. તેમના દેશના સેનાના અધિકારીઓ પણ અહીં અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી બંને દેશો વચ્ચે મિલિટરી સંબંધો ઘણા મજબૂત થયા છે.