કોરોનાને લીધે અનાથ થયેલા બાળકોની મદદે સરકાર

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ બીમારીને કારણે પોતાના માતા-પિતાને ગુમાવનાર બાળકોનાં પુનર્સવન માટે કેન્દ્ર સરકારે પ્રક્રિયા બહાર પાડી છે. મહિલાઓ અને બાળવિકાસ મંત્રાલયે એક જાહેર નોટિસ બહાર પાડી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડને કારણે પોતાના માતાપિતાને ગુમાવનાર બાળકોને દત્તક લેવાની રજૂઆત કરતા અનેક સંદેશ સોશિયલ મિડિયા પર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. સરકારે આ માટે એક કાયદેસર પ્રક્રિયા ઘડી છે. જે બાળકોએ કોરોનાને કારણે પોતાનાં માતા અને પિતા બંનેને ગુમાવી દીધા હોય એમને જિલ્લા બાળકલ્યાણ સમિતિ સમક્ષ 24 કલાકમાં રજૂ કરવામાં આવશે, એમાં એમના પ્રવાસનો સમય બાદ રખાશે.

ઉક્ત સમિતિ બાળકની તાત્કાલિક આવશ્યક્તાનો પતો લગાવશે અને બાળકના પુનર્વસન માટે ઉચિત આદેશ આપશે, કે બાળકની દેખભાળ કરનારાઓને જ સોંપવા કે પ્રત્યેક કેસને ધ્યાનમાં રાખીને બાળકોને સંસ્થાગત કે બિન-સંસ્થાગત દેખભાળ માટે રાખવા. શક્ય હશે ત્યાં સુધી બાળકોને એમના પરિવાર અને સામુદાયિક વાતાવરણમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. ધારો કે કોઈ બાળકને એના સગાસંબંધીની દેખભાળમાં મૂકવામાં આવશે તો સમિતિ બાળકનું ભલું થઈ રહ્યું છે કે નહીં તે વિશે નિયમિત રીતે ચકાસણી કરતી રહેશે. મંત્રાલયે માતા-પિતા, બંનેને ગુમાવી દેનાર બાળકો વિશેની જાણકારી માટે એક ચાઈલ્ડલાઈન બહાર પાડી છે જેનો નંબર છે – 1098. જે લોકો અનાથ બાળકોને દત્તક લેવા માગે તેઓ સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીનો સંપર્ક કરી શકે છે.