નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ડાયાબિટીસ (મધુમેહ) રોગના દર્દીઓ માટેની સીટાગ્લિપ્ટીન દવા અને તેના કોમ્બિનેશન્સ સસ્તી કિંમતે દેશભરમાં જનઔષધિ કેન્દ્રોમાં વેચવામાં આવશે. પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના અંતર્ગત ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડીવાઈસીસ બ્યૂરો ઓફ ઈન્ડિયા (PMBI) દ્વારા સસ્તી કિંમતે ડાયાબિટીસની દવાઓના નવા વેરિઅન્ટ પ્રસ્તુત કર્યા છે. સીટાગ્લિપ્ટીન અને તેના કોમ્બિનેશન્સની 10 ગોળીનું એક પેક 60 રૂપિયાની કિંમતે જેનેરિક ફાર્મસી સ્ટોર્સ (જનઔષધિ કેન્દ્રો)માં મળશે.
સીટાગ્લિપ્ટીન ફોસ્ફેટ ટેબલેટ્સ 50 એમજીની 10 ગોળીનું એક પેક રૂ. 60ની કિંમતે મળશે જ્યારે સીટાગ્લિપ્ટીન ફોસ્ફેટ ટેબલેટ 100 એમજીનું એટલી જ ગોળીનું પેક રૂ. 100માં મળશે. કોમ્બિનેશન ઓફ સીટાગ્લિપ્ટીન અને મેટફોર્મિન હાઈડ્રોક્લોરાઈડ (50 એમજી/500 એમજી)ની દસ ગોળીનું પેક રૂ. 65માં મળશે. જ્યારે સીટાગ્લિપ્ટીન મેટફોર્મિન હાઈડ્રોક્લોરાઈડની 50 એમજી/1000 એમજી પાવરની દસ ગોળીનું પેક રૂ. 70માં મળશે. આ બધી વેરિઅન્ટની દવાઓ બ્રાન્ડેડ વેરિઅન્ટ કરતાં 60-70 ટકા ઓછી કિંમતે ઉપલબ્ધ છે. અન્ય મેડિકલ સ્ટોર્સમાં એની કિંમત રૂ. 162થી લઈને રૂ. 258 છે.