જયપુરઃ રાજસ્થાન રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની ગઈ પાંચ ડિસેમ્બરે જયપુરમાં કરાયેલી હત્યાના સંબંધમાં પોલીસે નીતિન ફૌજી નામના શૂટરને પકડ્યો છે. નીતિને રિવોલ્વર આપવા બદલ તેમજ પોતાનાં ફ્લેટમાં રહેવાની સગવડતા કરી આપવા બદલ પોલીસે પૂજા સૈની નામની એક મહિલાની પણ ધરપકડ કરી છે. ગોગામેડીને એમના ઘરમાં ઠાર માર્યા તે પહેલાં નીતિન જયપુરમાં પૂજાની માલિકીનાં ભાડેથી ચલાવાતા ફ્લેટમાં રહેતો હતો. પોલીસનું કહેવું છે કે પૂજા સૈની અને તેના પતિ મહેન્દ્ર મેઘવાળે નીતિનને શસ્ત્રો આપ્યાં હતાં. નીતિન એમનાં ફ્લેટમાં લગભગ એક અઠવાડિયા સુધી રહ્યો હતો.
અખબારી અહેવાલો અનુસાર, ગેંગસ્ટરો લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોડારાનું કામકાજ પૂજા સૈની રાજસ્થાનમાં સંભાળતી હતી. પૂજાનું કામ શસ્ત્ર પૂરા પાડવાનું અને બનાવ બને એની પહેલાં નાણાં પૂરા પાડવાનું રહેતું હતું. એ જયપુરમાં ખોટી ઓળખ હેઠળ એક યુવકની સાથે રહેતી હતી. પોલીસે પૂજા પાસેથી અનેક નકલી આઈડી કબજામાં લીધા છે. હાલ પોલીસ દ્વારા એની પૂછપરછ ચાલી રહી છે.