ઇમ્ફાલઃ મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાજ્ય નોવોલ કોરોના વાઇરસની ઝપટમાંથી મુક્ત થયું છે. તેમણે ટ્વિટર હેન્ડલ દ્વારા આ વાતની જાહેરાત કરી હતી. આ પહેલાં રવિવારે ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે પણ દાવો કર્યો હતો કે રાજ્યમાં હવે એક પણ કોરોનાનો દર્દી નથી. તેમણે રાજ્યની જનતાને અપીલ કરી હતી કે જે રીતે તમે સહયોગ કર્યો એ રીતે ત્રીજી મે સુધી વહીવટી તંત્રને પણ સહયોગ કરજો.
જનતાનો અને મેડિકલ સ્ટાફનો સંપૂર્ણ સહયોગ
તેમણે લખ્યું હતું કે મને એ વાત જણાવતાં આનંદ થાય છે કે મણિપુર કોવિડ-19થી આઝાદ થયું છે. આ વાઇરસથી સંક્રમિત બંને દર્દીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે અને તેમનો ટેસ્ટ નકારાત્મક આવ્યો છે. રાજ્યમાં હવે કોઈ નવો કેસ નથી. રાજ્યની જનતા અને મેડિકલ સ્ટાફના સહયોગથી સંભવ થયું છે. જનતાએ લોકડાઉનના સખત નિયમોનું પાલન કર્યું અને વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
માર્ચ મહિનાના અંતમાં બ્રિટનથી મણિપુર પરત ફરેલી 23 વર્ષીય મહિલાને કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ઇમ્ફાલના જવાહર લાલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકકલ સાયન્સિસ (JNIMS)માં મહિલાની સારવાર કરવામાં આવી હતી. અને તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરી હતી. તે ઇમ્ફાલના પશ્ચિમમાં થાંગમેબંદની રહેવાસી હતી. હાલ મણિપુરમાં લોકડાઉન જારી છે અને માત્ર આવશ્યક જરૂરી સેવાઓને જ છૂટ આપવામાં આવી છે. સરકારે બે હોસ્પિટલો RIMS અને JNIMSમાં આઇસોલેશન વોર્ડની રચના કરી હતી.