દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં મોટી કુદરતી આફત આવી છે. ચમોલી જિલ્લાના ઋષિગંગા ઘાટવિસ્તારમાં આજે સવારે ગ્લેશિયર (હિમખંડ) તૂટતાં ધૌલી તથા અન્ય નદીઓમાં ભયાનક, વિકરાળ પૂર આવ્યું છે. તપોવન ક્ષેત્રમાં ગ્લેશિયર તૂટી છે. 9 મૃતદેહ મળ્યા છે. 150થી વધુ લોકો લાપતા છે. ગઢવાલ ક્ષેત્રમાં હાઈ એલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે. હિમખંડ તૂટવાની ઘટના ચમોલી જિલ્લાના તપોવન ક્ષેત્રના રેની ગામમાં થઈ હતી. ઋષિગંગા પાવર પ્રોજેક્ટ નજીક હિમખંડો તૂટ્યા બાદ ધૌલીગંગા નદીમાં અચાનક પ્રચંડ પૂર આવ્યું હતું. ઋષિગંગા પાવર પ્રોજેક્ટને મોટું નુકસાન પહોંચ્યું હોવાનો અહેવાલ છે.
હિમશિલાઓ તૂટતાં ધૌલી નદીમાં ભયાનક પૂર આવ્યું છે. અનેક નાના, મોટા પૂલ તૂટી ગયા છે, પાણીના ધસમસતા પ્રવાહમાં વહી ગયા છે. પ્રશાસને આસપાસના અનેક વિસ્તારોને ખાલી કરાવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે. એ માટે એનડીઆરએફ અને આઈટીબીપીના જવાનો ત્યાં પહોંચી ગયા છે. હવાઈ દળને પણ સતર્ક રહેવા જણાવી દેવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ આસામની મુલાકાતે ગયા છે અને ત્યાંથી એ પરિસ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે. એમણે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે ફોન પર વાતચીત કરી હતી. એવી જ રીતે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ રાવત સાથે સતત સંપર્કમાં છે અને કેન્દ્ર તરફથી તમામ સંભવિત મદદ પહોંચાડવાની ખાતરી આપી છે.