નવી દિલ્હીઃ દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં હવે આવતા વર્ષે 2019ની ચૂંટણી દરમિયાન વોટિંગ થશે, આ કોઈ ચૂંટણીમાં સોશિઅલ મીડિયાની ભૂમિકાની પણ સૌથી મોટી પરીક્ષા હશે. સત્તારુઢ ભાજપના નેતૃત્વમાં NDA અને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ વચ્ચે 2019ની લોકસભા ચૂંટણીમાં થનારા ચૂંટણી જંગમાં વિજેતાનો નિર્ણય કરવામાં ફેસબુક, ટ્વિટ અને વોટ્સએપની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહેશે.
ભારતમાં અત્યારે આશરે 90 કરોડ મતદાતા છે અને લગભગ 50 કરોડ લોકોની પહોંચ ઈન્ટરનેટ સુધી છે. દેશમાં 30 કરોડ ફેસબૂક યુઝર છે અને 20 કરોડ લોકો વોટ્સએપ મેસેજિંગ સર્વિસનો ઉપયોગ કરે છે જે કોઈપણ અન્ય લોકતંત્રના મુકાબલે ઘણી વધારે છે. આ સિવાય ભારતમાં ટ્વિટર યુઝર પણ લાખોમાં છે.
સોશિઅલ મીડિયા તેમજ ભારતીય રાજનીતિ વિષય પર શોધ કરી ચૂકેલી ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન સ્થિત ડીકિન યૂનિવર્સિટીમાં કોમ્યુનિકેશન્સની પ્રોફેસર ઉષા એમ. રોડરીગુએજનું કહેવું છે કે આગામી ચૂંટણીમાં સોશિઅલ મીડિયા તેમજ ડેટા વિશ્લેષણ મુખ્ય ભૂમિકામાં રહેશે. આનો ઉપયોગ અભૂતપૂર્વ થશે કારણ કે હવે બંન્ને પાર્ટીઓ સોશિઅલ મીડિયાનો ઉપયોગ કરે છે.
આ સાથે જ ભડકાઉ સમાચારો અને વીડિયોના પ્રયોગથી હિંસા ફેલાય તેવી પણ આશંકાને લઈને સોશિઅલ મીડિયાના ખોટા પ્રયોગની શક્યતાઓ પણ વધારે છે. ડેટા પોર્ટલ IndiaSpend અનુસાર સોશિઅલ મીડિયા પર ફેલાવવામાં આવેલા ખેટા સમાચારો અને ખોટા સંદેશાઓના કારણે ગત વર્ષથી અત્યાર સુધીમાં 30 થી વધારે લોકોના મૃત્યુ થયા છે.
આ જ પ્રકારે ભૂતકાળમાં રાજનૈતિક મતભેદ પણ ખૂબ ખતરનાક રહ્યા છે. વોશિંગ્ટન સ્થિત કાર્નેગી એનડાઉમેટ ફોર ઈન્ટરનેશનલ પીસના સીનિયર રિસર્ચ ફેલો મિલન વૈષ્ણવે 2019ની ચૂંટણી માટે થનારા પ્રચાર અભિયાન મામલે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર થનારા સંવાદ, જે પહેલાથી કડવા છે તે હવે વધારે ઉગ્ર બનશે.
આ જ મહિને કોંગ્રેસે ત્રણ રાજ્યો, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી છે જેનાથી હવે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ટક્કર વધુ મજબૂત બનશે તેવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસની આ જીત પાછળ નવી રીતે બનાવવામાં આવેલી તેની સોશિઅલ મીડિયા રણનીતિનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
વર્ષ 2014માં થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને વડાપ્રધાન મોદીએ કચડી નાંખી હતી. આના પાછળ વડાપ્રધાન મોદીના સોશિઅલ મીડિયા હથિયારોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું જેમાં તેમના પર્સનલ અકાઉન્ટમાંથી કરવામાં આવેલા ટ્વિટ્સ, ફેસબુક પર બીજેપીનું અભિયાન વગેરેનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર પર વર્ષ 2015માં અકાઉન્ટ બનાવ્યું પરંતુ હવે વિપક્ષી દળ તેજીથી બરાબરી પર આવી રહ્યું છે અને લડાઈનું મેદાન પહેલાથી વધારે વ્યાપક થતું જઈ રહ્યું છે.
એક રીસર્ચ અનુસાર ભારતમાં અત્યારે 45 કરોડથી વધારે સ્માર્ટફોન યૂઝર છે જ્યારે વર્ષ 2014માં આ લોકોની સંખ્યા 15.5 કરોડ જ હતી. એક ખાનગી સમાચાર સંસ્થાએ રાજસ્થાનમાં કોંગ્રેસના ઓનલાઈન ઓપરેશનો માટેના એક હબની મુલાકાત લીધી હતી કે જે રાજધાની જયપુરમાં એક ત્રણ બેડરુમના એપાર્ટમેન્ટમાં બનાવવામાં આવ્યો હતો. તેની અંદર પાર્ટી કાર્યકર્તા ઘણી ટીવી સ્ક્રીનોની મદદથી સમાચાર ચેનલો અને સોશિયલ મીડિયા પોસ્ટો પર નજર રાખી રહ્યા હતા.
બીજીતરફ જોવા જઈએ તો વડાપ્રધાન મોદી સાથે ઓનલાઈન મુકાબલો કરવો સરળ નથી. ફેસબુક પર તેમના ફોલોઅરની સંખ્યા 4 કરોડ 30 લાખ છે અને ટ્વિટર પર ચાડા ચાર કરોડ. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વિટર પર ફોલોઅર 81 લાખ અને ફેસબુક પર 22 લાખ છે.
વર્ષ 2014માં માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર અને સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુકને રાજનેતાઓ, ખાસ કરીને બીજેપીના રાજનેતાઓએ અપનાવી હતી પરંતુ હવે વોટ્સએપ પણ એક ફેવરેટ સોશિયલ મીડિયા ટૂલ બની ગયું છે. જયપુર અને તેની નજીકના ટોંકમાં જ્યાં ચૂંટણી દરમિયાન જનતા સમક્ષ ભાષણ આપવા અને પોસ્ટરો દ્વારા પ્રચાર કરવાની પરંપરાગત રીતે અપનાવવામાં આવતી હતી ત્યાં કોંગ્રેસ અને બીજેપીના કાર્યકર્તાઓએ અનેક વોટ્સએપ ગ્રુપ બતાવ્યા જેમના તેઓ સભ્ય છે અને જેમનો તેમણે પ્રચાર માટે ઉપયોગ કર્યો.
કોંગ્રેસનું કહેવું છે કે તેમના વોટેન્ટિયરોએ રાજસ્થાનમાં 90,000 વોટ્સએપ ગ્રુપ ચલાવ્યા જ્યારે બીજેપીએ જણાવ્યું કે અમે 15000 વોટ્સએપ ગ્રુપોનું સીધુ સંચાલન કરતા હતા. પરંતુ તેમના કાર્યકર્તાઓ લગભગ એક લાખ અન્ય વોટ્સએપ ગ્રુપો દ્વારા તેનો પ્રચાર કરે છે.
પરંતુ વોટ્સએપ વિવાદોમાં ઘેરાયેલું પણ રહ્યું છે. ભારતમાં વોટ્સએપ પર બાળક ચોરીની ઘણી અફવાઓ ફેલાયા બાદ ઓક્ટોબરમાં બ્રાઝિલમાં થયેલી ચૂંટણી દરમિયાન વોટ્સએપ પર ઘણી ખોટી અને ષડયંત્રની વાતો ફેલાઈ હતી. હકીકતમાં વોટ્સએપના એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનના કારણે મોટી સંખ્યામાં યુઝરો દ્વારા મોકલવામાં આવતી ટેક્સ્ટ, ફોટો અને વીડિયોની તપાસ કરવું મુશ્કેલ છે.
વોટ્સએપે એક જ વારમાં કોઈ સંદેશને ફોરવર્ડ કરવાની સંખ્યાને 20 સુધી સીમિત કરી દીધી છે પરંતુ ખાસકરીને ભારતમાં આ સંખ્યા પાંચ રાખવામાં આવી છે. કંપનીની યોજનાઓના જાણકાર એક સુત્રએ માહિતી આપતા જણાવ્યું કે કંપનીએ બ્રાઝિલમાં ચૂંટણી દરમિયાન લાખો અકાઉન્ટ બ્લોક કર્યા હતા અને આવું જ ભારતમાં પણ ચૂંટણી પહેલા કરવામાં આવે તેવી શક્યતા છે.
વોટ્સઅપના કમ્યુનિકેશન્સ પ્રમુખ કાર્લ બૂગે આ મામલે માહિતી આપતા મીડિયાને જણાવ્યું હતું કે અમે રાજનૈતિક ઓર્ગેનાઈઝરોથી સંપર્ક કરીને તેમને સૂચના આપી દીધી છે કે અમે અવાંછિત મેસેજ મોકલનારા અકાઉન્ટો વિરુદ્ધ કાર્યવાહી કરીશું. જો કે કાર્લ બૂગે કોઈ રાજનૈતિક દળનું નામ લીધુ નથી.
ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું કે કંપની ચૂંટણીની પારદર્શિતા અને ઈમાનદારી બનાવી રાખવા માટે કટિબદ્ધ છે અને ખોટા ન્યૂઝ પર ધ્યાન રાખવાનો પ્રયાસ કરી રહી છે. ટ્વિટરે પણ જણાવ્યું કે અમે ચૂંટણી પ્રક્રિયાની રક્ષા માટે પ્રયાસ કર્યા છે અને ખોટા ઈરાદાથી કરવામાં આવેલી પોસ્ટને પકડી પાડવા માટેના પણ પ્રયત્નો કર્યા છે.
રાજસ્થાન ચૂંટણી દરમિયાન પોલીસે 10 સભ્યોનું સોશિયલ મીડિયા મોનીટરિંગ યૂનીટ બનાવ્યું હતું જે વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલા ટ્વિટ અને ફેસબુક પોસ્ટો પર નજર રાખતું હતું. મોનીટરિંગ રુમની અંદર તમામ પોસ્ટ દીવાલ પર લગાવવામાં આવેલા ટીવીમાં દેખાતી હતી.
નકારાત્મક પોસ્ટો પર ખાસ ધ્યાન આપવામાં આવતું હતું જેને તપાસવામાં આવી હતી અને જરુરત પડવા પર વરિષ્ઠ અધિકારીઓને આ મામલે સૂચના પણ આપવામાં આવતી હતી જેથી કાર્યવાહી કરી શકાય.