ભાજપ પશ્ચિમ બંગાળમાં રથયાત્રા કાઢી નહીં શકે; હાઈકોર્ટના ચુકાદાથી પડ્યો ફટકો

કોલકાતા – અમિત શાહ અને નરેન્દ્ર મોદીના બળે ચાલતી ભારતીય જનતા પાર્ટીને આજે મોટો ફટકો પડ્યો છે. આ પાર્ટીને પશ્ચિમ બંગાળમાં રથયાત્રાઓ કાઢવાની પરવાનગી આપતા સિંગલ બેન્ચના ચુકાદાને આજે કલકત્તા હાઈકોર્ટે રદબાતલ કરી દીધો છે.

ચીફ જસ્ટિસ દેબાશિષ કરગુપ્તા અને ન્યાયમૂર્તિ શમ્પા સરકારની બનેલી કલક્તા હાઈકોર્ટની વિભાગીય બેન્ચે આ કેસને સિંગલ બેન્ચને પાછો મોકલી દીધો છે અને રાજ્યની સુરક્ષા એજન્સીઓએ આપેલી ગુપ્તચર માહિતી પર વિચારણા કરવાનો આદેશ આપ્યો છે.

વિભાગીય બેન્ચે આ ચુકાદો મમતા બેનરજીની સરકારે નોંધાવેલી અપીલ પર સુનાવણી કર્યા બાદ આપ્યો છે. સરકારે સિંગલ બેન્ચે ગઈ કાલે ગુરુવારે આપેલા ચુકાદાને પડકાર્યો છે.

ગુરુવારે, કલકત્તા હાઈકોર્ટની જ સિંગલ બેન્ચે ભાજપને રાજ્યમાં રથયાત્રા કાઢવાની પરવાનગી આપી હતી.

સિંગલ બેન્ચે ભાજપને રાજ્યમાં ત્રણ રથયાત્રા કાઢવાની પરવાનગી આપી હતી. કોર્ટે સાથોસાથ રાજ્યના વહીવટીતંત્રને એવો આદેશ પણ આપ્યો હતો કે રથયાત્રાના આયોજન દરમિયાન કાયદો અને વ્યવસ્થાનો કોઈ રીતે ભંગ ન થાય એની તેણે તકેદારી રાખવી.

પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમુલ કોંગ્રેસ સરકારે અગાઉ 15 ડિસેંબરે ભાજપને રથયાત્રા કાઢવાની પરવાનગી આપવાનો ઈનકાર કર્યો હતો. એ માટે તેણે એવું કારણ આપ્યું હતું કે રથયાત્રાને લીધે કદાચ કોમી તંગદિલી ઊભી કરી શકે છે.

સરકારે હાઈકોર્ટ સમક્ષ પણ એનો પુનરોચ્ચાર કરતાં વધુમાં કહ્યું હતું કે ગુપ્તચર એજન્સીઓ તરફથી માહિતી મળી છે કે રથયાત્રાઓ નીકળશે તો રાજ્યમાં કોમી એખલાસનો ભંગ થશે.

સરકારે વધુમાં કહ્યું હતું કે રથયાત્રાનો કાર્યક્રમ જંગી પાયે – 34 દિવસનો હશે અને જે જે જિલ્લામાંથી એ રથયાત્રા ફરવાની હશે ત્યાં સુરક્ષા વ્યવસ્થા સંભાળવા માટે મોટી સંખ્યામાં જવાનોની જરૂર પડે.

બસ, ત્યારથી ભાજપ અને શાસક ટીએમસી પાર્ટી વચ્ચે રથયાત્રાના મામલે જંગ શરૂ થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]