ભાગેડુ મેહુલ ચોકસીને એન્ટિગુઆ, બારબુડાથી બહાર નહીં લવાયઃ હાઇકોર્ટ

નવી દિલ્હીઃ ભાગેડુ મેહુલ ચોકસીને ભારત લાવવાના પ્રયાસોને મોટો આંચકો લાગ્યો છે. કેરેબિયન દેશની હાઇકોર્ટને કહ્યું હતું કે મેહુલ ચોકસીને એન્ટિગુઆ અને  બારબુડાથી બહાર નહીં લઈ જઈ શકાય. આ ચુકાદો એક સિવિલ સુટમાં આવ્યો છે., જેને મેહુલ ચોકસીએ વર્ષ 2021ના અપહરણની તપાસની માગ કરતાં દાખલ કરી હતી. મેહુલ ચોકસી રૂ. 13,000 કરોડના બેન્કિંગ કૌભાંડમાં ભાગેડુ છે.

આ પહેલાં CBIના મેહુલ ચોકસીને પરત લાવવાના પ્રયાસોને આંચકો લાગ્યો હતો. ઇન્ટરપોલે તેની સામે જારી રેડ કોર્નરને પરત લીધી હતી. ત્યાર બાદ તેને વિશ્વમાં ક્યાંય પણ આવવા-જવાની મંજૂરી મળી હતી.

મેહુલ ચોકસીની પાસે એન્ટિગુઆની નાગરિકતા છે, તે કૌભાંડ વિશે ખુલાસો થયો પછી વર્ષ 2017માં દેશમાંથી ભાગી ગયો હતો. મે, 2021માં તે એન્ટિગુઆથી લાપતા થઈ ગયો હતો અને પછીથી ડોમિનિકામાં આવ્યો હતો. ચોકસીએ દાવો કર્યો હતો કે ભારતના એજન્ટો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. એન્ટિગુઆ અને બારબુડા હાઇકોર્ટમાં તેણે સિવિલ સુટ દાખલ કરીને અપહરણનો આરોપ લગાવ્યો હતો અને તપાસની માગ કરી હતી.

આ સુટમાં કહેવામાં આવ્યું હતું કે 23 મે, 2021એ મેહુલ ચોકસી એક એવી વ્યક્તિના કહેવા પર જોલી હાર્બરના એક વિલામાં ગયો હતો, જ્યાં તે પહેલાં મળ્યો હતો. વિલામાં પ્રવેશ કર્યા પથી તરત તેને છથી આઠ લોકોએ ઘેરી લીધો હતો, જેમણે ખુદને એન્ટિગુઆની પોલીસ દળ હોવાનો દાવો કર્યો હતો.