પહેલાં પાટા, પૂલ અને હવે મોબાઇલ ટાવરને ચોરી ગયા ચોરો

મુઝફ્ફરપુરઃ બિહારમાં ચોરીની અલગ-અલગ પ્રકારની કેટલીય નોખી-અનોખી ઘટના બને છે. બિહારમાં ક્યાંક રેલવેનું એન્જિન તો ક્યાંક પાટા અને ક્યાંક પૂલની ચોરીના સમાચાર તો તમે સાંભળ્યા હશે. હવે મુઝફ્ફરપુરમાં ચોરીની એવી ઘટના બની છે કે જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ વખતે ચોરોએ એક મોબાઇલ ટાવરને જ ગાયબ કરી દીધો છે.

આ બનાવ મુઝફ્ફરપુરના સ્ટેશન વિસ્તારના શ્રમજીવીનગરનો છે, જ્યાં બંધ મોબાઇલ ટાવરની ચોરી કરી લેવામાં આવી છે. એને લઈને સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી. છેલ્લાં કેટલાંય વર્ષોથી શ્રમજીવીનગરમાં GTPLનો એક મોબાઇલ ટાવર લગાવવામાં આવ્યો હતો, જે ઘણા સમયથી બંધ હતો, પણ એ ટાવર અચાનક ગાયબ થઈ ગયો છે. આ ટાવરની સાથે કેટલાંય મહત્ત્વનાં મશીનો ગાયબ થઈ ગયાં છે.

આ બનાવના સ્થળે નિરીક્ષણ દરમ્યાન ટાવર એજ્યુકેશન અધિકારીને ટાવરની સાથે કેટલાંય ઉપકરણો નથી મળ્યાં, એને લઈને એ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. એ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે મનીષા કુમારીના આવાસના પ્રાંગણમાં GTL ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.નું ટાવર લગાડવામાં આવ્યું હતું, પણ હવે ત્યાં ટાવર નથી, શેલ્ટર પણ નથી, ડીઝલ જનરેટર, SMPF અને સ્ટેબિલાઇઝર છે.

આ મામલાને લઈને સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં કેટલાક લોકો આવ્યા હતા અને એને ખોલીને ટ્રક પર નાખીને બધો સામાન લઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે અરજી મળી છે અને આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. આ મામલે જમીન માલિક અને તેના ગાર્ડથી પૂછપરછ કરવામાં આવી રહી છે, એમ પોલીસે કહ્યું હતું.