મુંબઈઃ દેશભરમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતે આજે એક નવી ઊંચાઈ સર કરી છે. સતત સાતમા દિવસે આ બંને ઈંધણનો ભાવ વધ્યો છે. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 30 પૈસા વધ્યા છે અને તેણે રૂ. 104નો આંક પાર કર્યો છે. ડિઝલમાં પ્રતિ લીટર 35 પૈસા વધતાં તેનો ભાવ રૂ. 93.17 થયો છે. જુદા જુદા શહેરોમાં આ બંને ઈંધણનો ભાવ અલગ રહેશે. અમુક શહેરોમાં આ બંને ઈંધણે પ્રતિ લીટર 100 રૂપિયાનો આંક પાર કર્યો છે.
મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 29 પૈસા વધીને રૂ. 110.12 છે જ્યારે ડિઝલ પ્રતિ લીટર 37 પૈસા મોંઘું થઈને હવે પ્રતિ લીટર રૂ. 100.66 થયું છે. અમદાવાદમાં પેટ્રોલ વધુ 0.29 પૈસા વધીને રૂ.100.91 થયું છે તો ડિઝલનો ભાવ રૂ. 100.04 થયો છે. છેલ્લાં 10 દિવસમાં આ બંને ઈંધણના ભાવમાં 9 વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
પેટ્રોલ-ડિઝલના ભાવ રોજ બદલાય છે અને રોજ સવારે 6 વાગ્યે અપડેટ કરાય છે. આ બંનેના રોજના ભાવ તમે એસએમએસ મારફત પણ જાણી શકો છો. જો તમે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ગ્રાહક હો તો RSP સ્પેસ પેટ્રોલ પંપનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલીને નવો ભાવ જાણી શકો છો. બીપીસીએલના ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને નવો ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલ કંપનીના ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર મોકલીને ફોન પર એસએમએસ દ્વારા નવો ભાવ જાણી શકે છે.