ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની હાલત સ્થિર

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહની હાલત સ્થિર છે. તેમને દિલ્હીસ્થિત એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સાથેની મેડિકલ ટીમ તેમની દેખરેખ કરી રહી છે, એમ કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધને કહ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ડો. મનમોહન સિંહજીના આરોગ્ય પર સતત દિલ્હી-એમ્સમાં મેડિકલ ટીમ દેખરેખ રાખી રહી છે. તેમની હાલત સ્થિર છે. તેમની સારસંભાળ લેવામાં આવી રહી છે. આપણે બધા તેમના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ.

ભૂતપૂર્વ વડા પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો. મનમોહન સિંહ (88) હાલમાં કોરોના સંક્રમિત થયા હતા. જોકે તેમણે કોરોનાની રસીના બે ડોઝ લીધા હતા. એ પછી તેઓ કોરોના સંક્રમિત થયા હતા. તેમને એઇમ્સ દિલ્હીના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ એઇમ્સના અધિકારીએ કહ્યું હતું.

આ પહેલાં ગયા વર્ષે મે મહિનામાં તેમને તાવ આવતાં એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડો. મનમોહન સિંહ ડાયાબિટીઝના દર્દી છે અને તેમની બે બાયપાસ સર્જરી પણ થઈ ચૂકી છે.