નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન G-20 સમિટ પહેલા એક ઇન્ટરવ્યુમાં રશિયા-યુક્રેન યુદ્ધ, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ભૂમિકાને લઈને ભારોભાર પ્રશંસા કરી હતી. તેમણે ભારતનાં હિતોને ધ્યાનમાં રાખીને શાંતિની અપીલ દ્વારા યોગ્ય વ્યૂહાત્મક પગલાંની પણ પ્રશંસા કરી હતી.
G-20 સમિટ પહેલાં રશિયા-યુક્રેન સંઘર્ષ અને ચીન અને પશ્ચિમી દેશો વચ્ચેના તણાવને કારણે વિશ્વ વ્યવસ્થામાં ઘણું પરિવર્તન આવ્યું છે. આ નવી સિસ્ટમના સંચાલનમાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે અને આજે વૈશ્વિક સ્તરે ભારતની વિશ્વસનીયતા વધી છે. ભૂતપૂર્વ વડા પ્રધાનના કાર્યકાળ દરમ્યાન 2008માં G-20 ગ્રુપ બનાવવામાં આવ્યું હતું., જેનો હેતુ નાણાકીય સંકટોથી લડવાનો હતો, એમ તેમણે કહ્યું હતું.2047 સુધીમાં દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના પીએમ મોદીના દાવા પર મનમોહન સિંહે કહ્યું કે આવનારા વર્ષોમાં ભારત આર્થિક પાવર હાઉસ બનશે.
તેમણે કહ્યું હતું કે મને ભારતના ભવિષ્યની ચિંતા કરતાં વધુ આશાઓ છે. મને બહુ ખુશી છે G-20ની અધ્યક્ષતા માટે ભારતને તક મારા જીવનકાળ દરમ્યાન મળી છે અને હું G-20 શિખર સંમેલન માટે ભારયની અધ્યક્ષતાનો સાક્ષી છું. વિદેશ નીતિ મજબૂત હોવી જરૂરી છે અને અમારી વૈશ્વિક રાજકારણમાં હાજરી હોવી જોઈએ અને એ દેશના આંતરિક રાજકારણનો એક ભાગ હોવો જોઈએ, પરંતુ વ્યક્તિગત રાજકારણને લઈને સંયમ વર્તવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આવનારાં વર્ષોમાં ભારત આર્થિક પાવર હાઉસ બનશે. તેમણે ભારત-ચીન મુદ્દે પણ વાત કરતાં કહ્યું કે દુઃખની વાત છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે G20 કોન્ફરન્સમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીન સાથેના સંબંધો સુધારવા માટે વડા પ્રધાન મોદીએ શું કરવું જોઈએ તેના પર બોલવું મારા માટે યોગ્ય નથી. મને ખાતરી છે કે વડા પ્રધાન મોદી આ માટે ચોક્કસપણે જરૂરી પગલાં લેશે.
