નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ખૂબ વધી ગયા હોવાથી કેન્દ્ર સરકારે આ વર્ષે પણ દેશના પ્રજાસત્તાક દિવસના ઉજવણી કાર્યક્રમને નિયંત્રિત રાખવાનું નક્કી કર્યું છે. સરકારે આ વર્ષે 73મા પ્રજાસત્તાક દિન પરેડ કાર્યક્રમ માટે કોઈ વિદેશી મહેમાનને આમંત્રિત ન કરવાનો નિર્ણય લીધો છે. સરકારે પાંચ મધ્ય એશિયન દેશો – ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાખસ્તાન, કીર્ગિઝ પ્રજાસત્તાક અને તાજિકિસ્તાનના વડાઓને ભારતના પ્રજાસત્તાક દિન પરેડ કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને તે આમંત્રણો રદ કરી દેવામાં આવ્યા છે. 1952, 1953 અને 1966ના વર્ષોમાં પણ ભારત પ્રજાસત્તાક દિન પરેડ કાર્યક્રમમાં કોઈ વિદેશી મહાનુભાવને આમંત્રિત કરી શક્યો નહોતો.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ કોરોનાનો ફેલાવો થવાને કારણે સરકારે પ્રજાસત્તાક દિન પરેડ કાર્યક્રમમાં કોઈ વિદેશી મહેમાનને આમંત્રિત કર્યા નહોતા. બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સનને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું અને એનો તેમણે સ્વીકાર પણ કર્યો હતો, પરંતુ બાદમાં કોરોના સંકટ ઘેરું બનતાં જોન્સને પોતાની ભારત મુલાકાત રદ કરી દીધી હતી.