નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં ગુરુવારથી સતત વરસાદ થઈ રહ્યો છે. શનિવારે અહીં ચાર કલાકમાં ચાર ઇંચ એટલે કે 100 મિલીમીટર વરસાદ થયો હતો. એમાં અંબાઝરી લેક ઓવરફ્લો થવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયાં હતાં એનાથી પૂર જેવી સ્થિતિ બની ગઈ છે.
રાજ્યના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મિડિયા પર જણાવ્યું હતું કે NDRF અને SDRFની ટીમો રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી આશરે 500 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. શહેરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ વરસાદી પાણીથી ભરાઈ ગયાં છે. શહેરમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. ભારે વરસાદને જોતા શહેરના કલેક્ટરે જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે.
Stay safe people #NagpurRains pic.twitter.com/wguko6yTxf
— K (@osiris_ded) September 23, 2023
હવામાન વિભાગે જણાવ્યું કે નાગપુરમાં 106 મીમી વરસાદ નોંધાયો છે. નાગપુરના મોર ભવન બસ ડેપોમાં પાણી ઘૂસી ગયા છે. અનેક બસો પાણીમાં ફસાઈ ગઈ છે. અમુક લોકો પાણીમાં ફસાઈ જતા NDRF અને SDRFની ટીમે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું.
હવામાન વિભાગે નાગપુર, ભંડારા અને ગોંદિયા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, અમરાવતી, યવતમાલ અને ગઢચિરોલીમાં આજે વરસાદની સંભાવના છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં ચોમાસું સક્રિય રહેશે. રાજ્યના બે જિલ્લા નાગપુર અને રાયગઢને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.