રાજૌરીમાં સુરક્ષા દળોની અથડામણમાં પાંચ જવાન શહીદ

નવી દિલ્હીઃ વિદેશપ્રધાન ડો. એસ. જયશંકરે પણજીમાં વિદેશપ્રધાનોની SCO પરિષદની બેઠકને સંબોધિત કરી હતી. SCOમાં તેમણે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે SCO સભ્ય દેશોને સ્પષ્ટ કહ્યું હતું કે ભારત સીમા પારથી આતંકવાદને સહન નહીં કરે. આપણે બધાએ આતંકવાદ સામે લડવું પડશે. આતંકવાદ સામે લડવું એ અમારી પહેલી પ્રાથમિકતા છે. બીજી બાજુ, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે ચાલી રહેલી અથડામણમાં શહીદ થયેલા જવાનોની સંખ્યા પાંચ થઈ ગઈ છે.

જોકે રાજૌરીમાં સેના અને આતંકવાદીઓની વચ્ચે થયેલી આ અથડામણમાં કેટલાય આતંકવાદી પણ માર્યા ગયા હતા. આ ઘટના પછી આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ છે. પાછલા ત્રણ દિવસોમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ પ્રકારની આ ત્રીજી ઘટના છે.

રાજૌરી જિલ્લામાં થયેલી અથડામણ કંડી ટોલેના કેસરી વિસ્તારમાં થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ ફસાયા હોવાની આશંકા છે. પોલીસ, આર્મી અને CRPFની એક સંયુક્ત ટીમ આ કાર્યવાહી કરી રહી છે. અધિકારીઓને આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી. આ માહિતી પછી સંયુક્ત ટીમે ઘેરાવ કર્યો હતો અને તપાશ ઝુંબેશ શરૂ કરી હતી. સુરક્ષા દળોની સંયુક્ત ટીમે ઘટનાસ્થળ તરફ આગળ વધી, ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો, જેની સામે ટીમે પણ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે બંને સ્થાનિક આતંકવાદી હતા, જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરથી સંબંધિત હતા.