નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસ સામેના જંગમાં લોકડાઉનને કારણે અસ્તવ્યસ્ત થઈ ગયેલા દેશના અર્થતંત્રને ફરી બેઠું કરવા માટે ઘોષિત કરેલા રૂ. 20 લાખ કરોડના રાહત પેકેજની વિવિધ ક્ષેત્રોને વહેંચણી વિશે નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે એમના ત્રીજા તબક્કામાં પત્રકારોને જાણકારી આપી હતી. નાણાપ્રધાને કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રો માટે 11 મહત્ત્વની જાહેરાત કરી હતી, એમાં આઠ જાહેરાત કૃષિ અને કૃષિ સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્ષમતા અને લોજિસ્ટિકના નિર્માણ સંબંધિત હતી જ્યારે ત્રણ જાહેરાત વહીવટી સુધારા સાથે સંકળાયેલી હતી. કૃષિ ઇન્ફ્રા માટે નાણાપ્રધાને રૂ. એક લાખ કરોડની જાહેરાત કરી હતી. સરકારે સૌથી મોટું પગલું વહીવટી સુધારા માટે લીધું હતું, જેમાં આવશ્યક ચીજવસ્તુમાં સંશોધન કરવાનું એલાન કર્યું હતું. સરકારે આના હેઠળ કૃષિ ઉત્પાદનોમાં અનાજ, ખાદ્ય તેલ, ડુંગળી અને બટાટાને ડિરેગ્યુલેટ કર્યા હતા.
ભારત ખેતીપ્રધાન દેશ
નાણાપ્રધાને કહ્યું હતું કે ભારત ખેતીપ્રધાન દેશ છે અને મોટા ભાગની વસતિ કૃષિ પર નિર્ભર છે. જે લોકો કૃષિ કામગીરીઓ પર નિર્ભર છે, એમાં 85 ટકા સીમાંત ખેડૂતોની હિસ્સેદારી છે. આ ભારત સરકારના 2020ના આર્થિક સર્વે પર આધારિત આંકડા છે. તમામ વિપરીત પરિસ્થિતિ છતાં ખેડૂતો પોતાનાં કામકાજમાં કોઈ કસર નથી છોડતા.
કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે 11 પગલાંની જાહેરાત
નાણાપ્રધાને કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે 11 પગલાંની જાહેરાત કરી હતી, જેમાં આઠ સ્ટોરેજ ક્ષમતા અને વેરહાઉસ વગેરે સંબંધિત હતી. ગઈ કાલે કેન્દ્ર સરકાર રૂ. 30,000 કરોડની ફાળવણી નાબાર્ડના માધ્યમથી ખેડૂતોને કરી હતી. કિસાન ક્રેડિટ કાર્ડ બનાવીને તેમને રૂ. બે લાખ કરોડનો લાભ પહોંચાડવાના પ્રયાસો થયા હતા.
રૂ. 74,300 કરોડની કૃષિ ઊપજ ખરીદી કરવામાં આવી
છેલ્લા બે મહિનામાં કૃષિ અને ખેડૂતોને સપોર્ટ કરવા માટે અનેક પગલાં લેવામાં આવ્યાં છે. લોકકડાઉન દરમ્યાન લઘુતમ ટેકાના ભાવના રૂપમાં રૂ. 74,300 કરોડની કૃષિ ઊપજ ખરીદી કરવામાં આવી હતી. PM કિસાન ફંડમાં માધ્યમથી રૂ. 18,700 કરોડ ખેડૂતોને આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના દાવા રૂપે રૂ. 6400 કરોડની ચુકવણી કરવામાં આવી છે.
લોકડાઉન દરમ્યાન કો-ઓપરેટિવ દૂધની પ્રોસેસિંગ વધારવા માટે દૈનિક 560 લાખ લિટર રોજ દૂધની પ્રોસેસિંગ કરવામાં આવી, જ્યારે આ દરમ્યાન સરેરાશ ખપત પ્રતિ દિન 360 લાખ લિટરની રહી. આ સમયગાળામાં કોઓપરેટિવને રૂ. 4100 કરોડ આપવામાં આવ્યા, જેનાથી 111 કરોડ લિટર એક્સ્ટ્રા પ્રોક્યોર્ડ મિલ્ક માટે પણ પેમેન્ટ કરવામાં આવે.
આ સમયગાળામાં પશુપાલનવાળાઓને રૂ. 5000 કરોડની તરલતા ઉપલબ્ધ કરાવવાના સરકારે પ્રયાસ કર્યા છે. આમાં બે ટકા ઇન્ટરેસ્ટ સવવેન્શન પણ સામેલ છે. મત્સ્યપાલન માટે સરકારે આ સમયગાળામાં અનેક નવા-નવા પ્રયાસ કર્યા છે, જેનાથી મત્સ્યપાલન કરતા ખેડૂતોને ઘણો લાભ મળ્યો છે.
એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે રૂ. 1,00,000 કરોડની ફાળવણી
એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે મોદી સરકારે રૂ. 1,00,000 કરોડની ફાળવણી કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને આમાં ખેડૂતોને ઊપજ સંરક્ષિત કરવામાં મદદ મળશે. કૃષિ ઊપજ પછી ભારતમાં કોલ્ડ ચેઇનની કમી અને હાર્વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમીને કારણે ઘણી ઊપજ બરબાદ થાય છે. એના માટે સરકારે રૂ. 1,00,000 કરોડની ફાળવણી કરી છે.
માઇક્રોફૂડ એન્ટપ્રાઇઝને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10,000 કરોડની સ્કીમ
મોદી સરકાર માઇક્રોફૂડ એન્ટપ્રાઇઝને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10,000 કરોડની સ્કીમ લાવી છે. માઇક્રોફૂડ એન્ટરપ્રાઇઝીસના રૂપમાં સરકાર ખેડૂતોને મોટી મદદ કરશે. બિહારમાં મખાના હોય છે. આ જ રીતે તામિલનાડુમાં હળદર હોય છે. યુપીમાં કેરી હોય છે. જમ્મુ-કાશ્મીરમાં કેસર હોય છે. જ્યારે નોર્થ ઇસ્ટમાં વાંસથી જોડાયેલાં ઉત્પાદન બનાવી શકાય છે. આંધ્ર પ્રદેશમાં મરચાં સાથે જોડાયેલી ચીજવસ્તુઓ બનાવી શકાય છે. તામિલનાડુમાં ત્યાંના સ્થાનિક ઉત્પાદનોથી ચીજવસ્તુઓ બનાવી શકાય છે. આના માટે સરકારે રૂ. 10,000 કરોડની ફાળવણી કરી છે.
દેશના માછીમારોને રૂ. 20,000ની મદદ
કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના માધ્યમથી દેશના માછીમારોને રૂ. 20,000ની મદદ આપશે. ફિશની વેલ્યુ ચેઇનમાં બહુ મહત્ત્વપૂર્ણ ગેપ છે, જેને પૂરવો જરૂરી છે. સરકાર આ યોજના દ્વારા ઇન્ટિગ્રેટેડસ સસ્ટેનેબલ, ઇન્કલુઝિવ ડેવલપમેન્ટ ઓફ મરીન એન્ડ આઇલેન્ડ ફિશરીઝની સ્થાપના કરવામાં આવશે. આમાં રૂ. 11,000 કરોડની ફાળવણી મરીન ઇનલેન્ડ ફિશરીઝ અને એક્વાકલ્ચર માટે કરવામાં આવશે, જ્યારે રૂ. 9000 કરોડની ફાળવણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવશે. આમાં ફિશિંગ હાર્બર, કોલ્ડ ચેઇન, માર્કેટ વગેરે સામેલ છે. આનાથી ભારતમાં આગામી પાંચ વર્ષમાં 70 લાખ ટન ફિશ પ્રોડક્ટસનું ઉત્પાદન થઈ શકશે. આમાં 55 લાખ લોકોને રોજગાર મળશે, જ્યારે ભારતની નિકાસ બે ગણી થઈને રૂ. 1,00,000 કરોડ થશે.
મધુમાખી ઉછેર માટે રૂ. 500 કરોડની યોજના
સરકાર મધુમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા માટે રૂ. 500 કરોડની યોજના લાવી છે, જેથી બે લાખ મધુમાખીપાલકોને આનો લાભ મળશે. લોકલથી ગ્લોબલ માટે આ એક મોટું પગલું છે.
હર્બલ અને ઔષધીય ખેતી માટે રૂ. 4000 કરોડની ફાળવણી
હર્બલ ખેતી માટે રૂ. 4000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 10 લાખ હેક્ટરમાં આની ખેતી કરવામાં આવશે. આનાથી ખેડૂતોની રૂ. 5000 કરોડની વધારાની આવક થશે. ગંગા કિનારે હજ્જારો એકરમાં છોડવા રોપવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.
પશુ રસીકરણ માટે રૂ. 13,343 કરોડ
કેન્દ્ર સરકાર નેશનલ એનિમલ ડિસિઝ કન્ટ્રોલ પ્રોગ્રામ લાવી રહી છે. દેશમાં સૌથી વધુ પશુધનવાળા દેશોમાંનો એક છે, ગાય, ભેંસ અને બળદ, બકરી સહિત પશુઓના રસીકરણ માટે રૂ. 13,343 કરોડની યોજના. 53 કરોડ પશુઓને રસી આપવામાં આવશે. અત્યાર સુધી દોઢ કરોડ ગાય અને ભેંસને ટેગ કરવામાં આવ્યા છે અને એમને બીમારીના ટીકા લગાવવામાં આવ્યા છે.
પશુપાલન ઇન્ફ્રા માટે રૂ. 15,000 કરોડનું ફંડ
કેન્દ્ર સરકારે એનિમલ હસબેન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડના રૂપમાં રૂ. 15,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેથી પશુપાલન સેકટરમાં દૂધ ઉત્પાદનમાં અનેક સંભાવના છે.
ટોપ ટુ ટોટલ યોજના માટે રૂ. 500 કરોડની ફાળવણી
ટોપ ટુ ટોટલ યોજના માટે રૂ. 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ટામેટા, ડુંગળી અને બટાટા સિવાયની શાકભાજીઓને આ યોજના હેઠળ લાવવામાં આવી છે. આ યોજનામાં કૃષિ ઊપજવાળા સામાનને ઓછી ઊપજવાળા વિસ્તારોમાં પહોંચાડવા માટે 50 ટકા સબસિડી આપવામાં આવશે અને 50 ટકા સબસિડી કોલ્ડ સ્ટોરેજ માટે આપવામાં આવશે. આ યોજનાને પાઇલટ પ્રોજેક્ટ રૂપે ચલાવવામાં આવશે. આનાથી ખેડૂતોને બહુ મદદ મળશે.
એસેન્શિયલ કોમોડિટી એક્ટમાં સુધારાનો પ્રસ્તાવ
કેન્દ્ર સરકારે ખેડૂતોને તેમની ઊપજના સારા મૂલ્ય માટે મળે એ માટે એસેન્શિયલ કોમોડિટી એક્ટમાં સુધારો કરવાનો પ્રસ્તાવ કર્યો છે. એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 કોરોના સંક્રમણના પ્રારંભથી લાગુ છે.
એસેન્શિયલ માર્કેટિંગ રિફોર્મ
ખેડૂતોને ઊપજના વાજબી ભાવ મળે, આંતરરાષ્ટ્રીય વેપારમાં મુશ્કેલી ના પડે એટલા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
કૃષિ ઊપજને ડિરેગ્યુલેટ કરવામાં આવી
એગ્રિકલ્ચરલ ફૂડમાં અનાજ, ખાદ્ય તેલ, તેલીબિયાં, ગાળો, ડુંગળી અને બટાટા જેવી કૃષિ ઊપજને ડિરેગ્યુલેટ કરવામાં આવી રહી છે. બજારમાં આ ચીજવસ્તુઓના ભાવમાં અચાનક ઉછાળો આવશે તો સ્ટોક લિમિટ લાગુ કરવામાં આવશે.