અનંતનાગમાં આતંકવાદીઓ સાથે લડાઈ અંતિમ તબક્કામાં: ચાર ઠાર

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગના કોકરનાગમાં સુરક્ષા દળોએ વધુ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. આ આતંકવાદીની બોડી ડ્રોનથી દેખાઈ હતી. આતંકવાદીઓના ખાતમા માટે સુરક્ષા દળોનું ઓપરેશન ચોથા દિવસે પણ જારી છે. જ્યારે કાશ્મીરના બારામુલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ઉરી, હાથલંગા વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં ત્રણેય આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા ત્રણે આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી ચૂકી છે. કિશ્તવાડમાં પોલીસે એ ધરોમાં નોટિસ ચિપકાવી છે, જે ઘરના લોકોએ આતંકવાદી ટ્રેનિંગ માટે POK ગયા છે.  આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. આતંકવાદીઓને ચાર કિમીના દાયરામાં ઘેરી લેવામાં આવ્યા છે. ડ્રોન દ્વારા તેમના પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે.

આ ઓપરેશન સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનમાં અડચણ આવી રહી છએ, પરંતુ હાલ કોકરનાગમાં એન્કાઉન્ટર જારી છે. સવારે ઉરી-હથલંગામાં આતંકવાદીઓ જોવા મળ્યા બાદ આર્મી-પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. આ એ જ વિસ્તાર છે જ્યાં સુરક્ષા દળોએ ડિસેમ્બર 2022માં એક મોટા આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ એક ગુફામાંથી હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો.

છેલ્લા છ દિવસમાં આ ચોથું એન્કાઉન્ટર છે. 11 સપ્ટેમ્બરે રાજૌરીમાં 2 આતંકવાદી માર્યા ગયા હતા અને એક જવાન શહીદ થયો હતો. 13 સપ્ટેમ્બરે અનંતનાગના કોકરનાગમાં ચાર જવાન શહીદ થયા હતા, પરંતુ બે આતંકીની શોધ ચાલી રહી છે.અનંતનાગમાં લગભગ 2000 જવાનો પહાડી વિસ્તારનાં ગાઢ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવામાં લાગેલા છે. ડ્રોન સર્વેલન્સ હેઠળ જ્યાં પણ આતંકવાદીઓ છુપાયા હોવાની શક્યતા છે ત્યાં મોર્ટાર છોડવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં બે સૈન્ય અધિકારી, એક સૈનિક અને એક પોલીસ અધિકારી શહીદ થયા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં 40 આતંકવાદી માર્યા ગયા છે, જેમાંથી માત્ર આઠ સ્થાનિક હતા અને બાકીના તમામ વિદેશી હતા.