નવી દિલ્હીઃ દેશમાં એવિએશન ઉદ્યોગ માટેની નિયામક એજન્સી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ ચેતવણી ઉચ્ચારી છે કે કોવિડ-19 રોગચાળાને કારણે હવાઈ યાત્રા દરમ્યાન થનારી હેરાનગતિ અને રોગચાળાના ડરને લીધે યાત્રીઓના દુર્વ્યવહારની ઘટનાઓ વધે એવી શક્યતા છે. DGCAએ આ બાબતને ધ્યાનમાં રાખતાં એક સર્ક્યુલર જારી કરીને વિમાનમાં દુર્વ્યવહાર કરનારા યાત્રીઓથી કેમ વ્યવહાર કરવો એને માટે એરલાઇન્સ કંપનીઓના નવા માપદંડની પ્રક્રિયા નક્કી કરવા અને વિમાનમાંના સ્ટાફને આને અનુરૂપ ટ્રેનિંગ આપવા માટે કહેવામાં આવ્યું છે.
આ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે કેબિન ક્રૂને એ જણાવવું જોઈએ કે કોરોના કાળમાં વિમાનની અંદર તેમણે કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. યાત્રી ફેસ માસ્ક અથવા શિલ્ડ લગાવવાની ના પાડી શકે છે. યાત્રીઓની વચ્ચે તકરાર વધી શકે છે. યાત્રી નવા નિયમો અને વધેલી સ્ક્રિનિંગ, બોર્ડિંગમાં મોડું થવાને લીધે હેરાન થઈ શકે છે. કોવિડ-19ના ડરથી યાત્રીઓ વચ્ચે આપસી તૂતૂમેંમેં વધી શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ યાત્રી સુરક્ષાના નિયમોનું પાલન ના કરે ત્યારે અથવા યાત્રીમાં કોવિડ-19 જેવાં લક્ષણો દેખાય.
DGCAએ કહ્યું હતું કે આ બધાં કારણોથી યાત્રીઓ દ્વારા સહયાત્રીઓની સાથે કે વિમાનમાંના સ્ટાફ સાથે ખરાબ વર્તણૂકની ઘટનાઓમાં વધારો થઈ શકે. એણે એરલાઇન્સ કંપનીઓને કહ્યું છે કે કેબિન ક્રૂને વિશેષ ટ્રેનિંગ આપો, જેથી યાત્રી સુરક્ષા સંબંધી દિશા-નિર્દેશોનું પાલન કરે. તેને કોવિડ-19ને ધ્યાનમાં રાખતાં વિમાનની અંદર દુર્વ્યવહાર કરનારા યાત્રીઓની સાન ઠેકાણે લાવવા માટેના માપદંડો પણ નક્કી કરવા કહેવામાં આવ્યું છે.