CBSEએ રદ કરી 10મા-12મા ધોરણની જુલાઈમાં થનારી પરીક્ષા

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાઇરસના કેસોમાં ખૂબ વધારો થવાને કારણે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે CBSEએ 10મા અને 12 ધોરણોની 1થી 15 જુલાઈની વચ્ચે નિર્ધારિત પરીક્ષાઓને રદ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને સરકારના નિર્ણયની જાણકારી આપી હતી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને નવું નોટિફિકેશન જારી કરવાનો આદેશ આપ્યો છે. હવે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે ફરીથી સુનાવણી થશે. આ સુનાવણીના મુખ્ય બે મુદ્દાઓ હશે, એક કે રિઝલ્ટ ક્યારે આવશે અને નવું સેશન ક્યારે શરૂ થશે અને બીજો મુદ્દો કે રાજ્યોની બોર્ડ પરીક્ષાઓનું શું થશે.
CBSE બોર્ડની પરીક્ષાઓ 1 જુલાઈથી 15 જુલાઈ સુધી થવાની હતી, પણ પરીક્ષાઓ રદ થવાને કારણે વાલીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યાર બાદ કોર્ટે CBSEને પૂછ્યું હતું કે શું પરીક્ષાઓ રદ કરી શકાય? ત્યાર બાદ હવે બોર્ડે પોતાનો જવાબ દાખલ કરતાં કોર્ટને 10 અને 12માની બાકીની પરીક્ષાઓ રદ કરવાના નિર્ણયની માહિતી આપી હતી. જોકે સ્થિતિ સામાન્ય થવા પર 12ની પરીક્ષાઓ કરાવવામાં આવી શકે છે.

12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે…

છેલ્લી ત્રણ પરીક્ષાને આધારે આકલન કરીને નંબર આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આ વર્ષે આયોજિત થયેલી ત્રણ પરીક્ષામાં સારું પ્રદર્શન નથી કરી શક્યા અને ફરી પરીક્ષા આપવા ઇચ્છે છે, તેમની પાસે સ્થિતિ સામાન્ય થવા પર પરીક્ષા આપવાનો વિકલ્પ હશે. જોકે આના માટે કોઈ સમય નક્કી કરવામાં આવ્યો નથી. સ્થિતિને જોતાં નિર્ણય લેવામાં આવશે. આ માર્કિંગ અથવા એસેસમેન્ટ માત્ર નહીં લેવાયેલા પેપર માટે છે, જેની અત્યાર સુધી પરીક્ષા થઈ નથી શકી.

10માના વિદ્યાર્થીઓ માટે…

10માના કોઈ બાકી રહેલા પેપરની પરીક્ષા નહીં થાય.

કેન્દ્ર નોટિફિકેશન જારી કરશે

સરકારે જે સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં નોંધાવ્યું છે, એમાં અનેક વાતોમાં સ્પષ્ટતા નહોતી. જેમાં કોઈ સમય નક્કી નથી કરવામાં આવ્યો કે ક્યારે શું થશે. ક્યારે રિઝલ્ટ આવશે આવશે અને ક્યારે નવાં એડમિશન શરૂ થશે. સોલિસિટર જનરલે એક અંદાજ માંડતાં કહ્યું હતું કે બધી બાબતો અંગે 15 ઓગસ્ટ સુધી સ્પષ્ટતા થઈ જશે અને નવું સેશન સપ્ટેમ્બરમાં શરૂ થશે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકાર જ્યારે નોટિફિકેશન બજાર પાડે તો એમાં એક ચોક્કસ સમયમર્યાદા પણ જણાવે, જેથી દરેક બાબતમાં સ્પષ્ટતા થાય.   આગામી સત્ર સપ્ટેમ્બરથી શરૂ થાય એવી શક્યતા

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે સ્કૂલ અને કોલેજનું આગામી સેશન હવે સપ્ટેમ્બરથી શરૂ થશે. એટલા માટે સરકાર પ્રયાસો કરશે કે 15 ઓગસ્ટથી પહેલાં રિઝલ્ટ આવી જાય.

રાજ્યોના બોર્ડની પરીક્ષાઓનું શું થશે?

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારથી એ પણ પૂછ્યું છે કે રાજ્યની બોર્ડ પરીક્ષાઓનું શું થશે? રાજ્યની સ્કૂલ તો CBSEને આધીન નથી આવતી. સોલિસિટર જનરલે કહ્યું હતું કે તેઓ આના પરની વધુ માહિતી લઈને કોર્ટ સામે ફરીથી રજૂઆત કરશે.

ઓગસ્ટમાં પરિણામો આવવાની આશા

CBSEએ બોર્ડે લોકડાઉન પહેલાં જ પેપરની આન્સરશીટને તપાસવાનું કામ પહેલેથી જ શરૂ કર્યું હતું. હવે બાકીની પરીક્ષા જ રદ કરવામાં આવી છે. હવે એવું માનવામાં આવે છે કે બોર્ડ જુલાઈના અંત સુધીમાં કે ઓગસ્ટમાં રિઝલ્ટ જાહેર કરી દેશે. જોકે પાછલા વર્ષે 12માની પરીક્ષાનાં પરિણામો બીજી મેએ જાહેર કરવામાં આવ્યાં હતાં, જ્યારે 10માની પરીક્ષાનાં પરિણામો છઠ્ઠી મેએ આવ્યાં હતાં.

29 વિષયોની પરીક્ષાઓ થવાની હતી

10મા અને 12માના 29 મૂળ વિષયોની પરીક્ષાઓ એક જુલાઈથી 15 જુલાઈ સુધી લેવાવાની હતી, પણ હવે કોરોના વાઇરસના વધતા કેસોને જોતા પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.