શંભુ બોર્ડરથી ખેડૂતોની દિલ્હી કૂચ શરૂઃ અનેક ગામોમાં ઇન્ટરનેટ બંધ

નવી દિલ્હીઃ MSP સહિત તમામ માગોને લઈને દેખાવો કરી રહેલા ખેડૂતોએ દિલ્હી કૂચ શરૂ કરી છે. 101 ખેડૂતો શંભુ બોર્ડરથી દિલ્હી કૂચ માટે નીકળ્યા છે. જોકે શંભુ બોર્ડરે તહેનાત પોલીસ કર્મચારીઓએ બેરિકેડિંગ કરીને તેમનો રસ્તો રોક્યો છે. પોલીસે તેમને અટકાવવા માટે ટિયરગેસના સેલ પણ છોડ્યા છે અને વોટર કેનનનો ઉપયોગ કર્યો છે.

પંજાબ અને હરિયાણાની સરહદે દેશના ખેડૂતોનું આંદોલન સતત જારી છે. આ દેખાવાના 307મા દિવસે ખેડૂતો કેન્દ્ર સરકારની સાથે વાતચીતની માગ પર અડગ છે. કિસાન મજદૂર મોરચા (KMM)ના નેતા સરવન સિંહ પંઢેરે આ મુદ્દે સરકારની કામગીરી પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે PM મોદી અને કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પર ચૂપ રહેવાનો આરોપ લગાવ્યો હતો.આ પહેલાં KMMના નેતા સરવન સિંહ પંઢેરે ઘોષણા કરી હતી કે 101 ખેડૂતોની એક નવી ટુકડી હરિયાણાની શંભુ બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરશે.

ખેડૂતોના વિરોધ માર્ચ ફરીથી શરૂ થવાના થોડા કલાક પહેલાં સરકાર દ્વારા શાંતિની અપીલ કર વામાં આવી હતી. અંબાલા જિલ્લાનાં 12 ગામોમાં મોબાઇલ ઇન્ટરનેટ અને એકસાથે SMS મોકલવાની સેવાઓ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ સસ્પેન્શન 17 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.

બીજી બાજુ, ખેડૂત નેતા જગજિત સિંહ ડલ્લેવાલ ખેડૂતોની માંગને લઈને પંજાબ-હરિયાણાની ખાનોરી બોર્ડર પર અનિશ્ચિતકાળના ઉપવાસ કરી રહ્યા છે. ઉપવાસના કારણે તેમની તબિયત સતત બગડી રહી છે. તેઓ 17 દિવસથી વધુ સમયથી ઉપવાસ પર છે. આથી ડલ્લેવાલને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો. ખેડૂત નેતા રાકેશ ટિકેતે  પંજાબના ખનૌરી બોર્ડર પર જગજિત સિંહ ડલ્લેવાલ સાથે મુલાકાત લીધી હતી.