નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીઓને લઈને પણ સટ્ટાબજાર સજ્જ થઈ ગયું છે. પહેલા તબક્કાનું મતદાન જલદી થવાનું છે. આ પહેલાં રાજકીય ગરમાવો છે. એક બાજુ મોદીની ગેરંટી છે તો બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનના ચૂંટણીવચનોની રેવડી.
લોકસભાની ચૂંટણીમાં સૌનું ધ્યાન ઉત્તર પ્રદેશ પર છે. ભાજપે આ વખતે UPમાં મિશન-80નું સૂત્ર આપ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન પણ જીતનો દાવો કરી રહ્યું છે.
રાજસ્થાનનું ફલોદી એશિયાનું સૌથી મોટું સટ્ટાબજાર છે. આ સટ્ટાબજાર સટિકતા અને ભવિષ્યવાણી માટે દેશ-વિદેશમાં મશહૂર છે. અહીં નાનીથી મોટી દરેક વાત પર સટ્ટો લાગે છે. ફલોદી સટ્ટાબજારનું અનુમાન છે કે ભાજપને UPમાં 68 70 સીટો મળવાનો અંદાજ છે. અહીં કરોડો રૂપિયાનો સટ્ટો લાગે છે.
સટ્ટાનું કામ કરતા લોકો અહીં બુકી અને દલાલો દ્વારા આ કામ કરે છે. સટ્ટા માર્કેટ દેશભરમાં એકલા ભાજપની 315થી 355 સીટો આવવાનો દાવો કરી રહ્યા છે. રાજસ્થાનમાં 22થી 23 અને કોંગ્રેસની બેથી ત્રણ સીટ આવવાનો દાવો કરી રહ્યું છે. કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકારની જીત પાક્કી હોવાનું અનુમાન સટ્ટાબજારથી પણ આવી રહ્યું છે. રાજ્યમાં સાત મે સહિત કુલ સાત તબક્કામાં મતદાન થવાનું છે. ત્યાર પછી ચોથી જૂને મતગણતરી થાય તે પહેલાં ચૂંટણી સટ્ટામાં IPLથી વધુ રકમની ઊથલપાથલ થવાનું સટ્ટા બજારનું અનુમાન છે.