કંપનીઓ આવશ્યક-દવાઓની કિંમત મનફાવે વધારી નહીં શકે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી (NLEM – નેશનલ લિસ્ટ ઓફ ઇસેન્શ્યલ મેડીસિન્સ) આજે બહાર પાડી છે. એમાં 34 નવી દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે અને 26 દવાઓને પડતી મૂકી દેવામાં આવી છે. આ આવશ્યક દવાઓની કિંમત નિશ્ચિત રાખવામાં આવશે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ આ દવાઓની કિંમતમાં એમની મરજી મુજબ વધારો કરી શકે નહીં. આ દવાઓની કિંમત નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી નક્કી કરશે.

આવશ્યક દવાઓની આ રાષ્ટ્રીય યાદીમાં 384 દવાઓને સામેલ કરવામાં આવી છે. 2015માં આ યાદીમાં 376 દવાઓ હતી. દેશભરમાંથી 350 નિષ્ણાતો 140 કન્સલ્ટેશન બેઠકો યોજીને આ યાદી તૈયાર કરે છે. સરકાર તમામ લોકોને સસ્તી અને ગુણવત્તાપૂર્ણ દવા ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે, એમ ડો. માંડવિયાએ કહ્યું.

ડો. માંડવિયા કેન્દ્રના કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ ખાતાના પ્રધાન પણ છે. એમણે કહ્યું કે, દેશમાં ખેતીલાયક જમીનને ફળદ્રુપ બનાવતા પદાર્થો – ખાતરની કોઈ અછત નથી અને તેમના ભાવ વધારવામાં નહીં આવે.