વેદાંત-ફોક્સકોન પ્રોજેક્ટ ગુજરાતમાં જતો રહ્યો; મહારાષ્ટ્ર-વિપક્ષ ગુસ્સામાં

મુંબઈઃ એક લાખ લોકોને નોકરી આપવાની ક્ષમતા ધરાવનાર વેદાંતા ગ્રુપ અને તાઈવાનની મલ્ટીનેશનલ ઈલેક્ટ્રોનિક્સ કોન્ટ્રાક્ટ ઉત્પાદક કંપની ફોક્સકોનનો સેમીકંડક્ટર ચીપ ઉત્પાદન પ્રોજેક્ટ મહારાષ્ટ્રને બદલે ગુજરાત જતો રહેતાં મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. વિરોધ પક્ષોએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિંદે જૂથ-ભાજપની સંયુક્ત રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે, રાજ ઠાકરેની આગેવાની હેઠળના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પક્ષ, શરદ પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ રાજ્ય સરકારની ટીકા કરી છે. આ પ્રોજેક્ટ ગુજરાત ચાલ્યો જતાં મહારાષ્ટ્રએ રૂ. 1.54 લાખ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ, પૂરક ઉદ્યોગો અને એક લાખ જેટલી રોજગારની તકો, બેઉ ગુમાવી દીધાં છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં સ્થાપવાની ઘોષણા અગાઉ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના, એનસીપી, કોંગ્રેસની બનેલી મહાવિકાસ આઘાડી સરકારે કરી હતી. આ પ્રોજેક્ટ રૂ. 1 લાખ 54 હજાર કરોડના મૂડીરોકાણનો છે. આ પ્રોજેક્ટ પુણે શહેર નજીકના તળેગાંવમાં સ્થપાવાનો હતો.

 

પ્રોજેક્ટ ગુજરાત ચાલ્યો જવા અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સ્પષ્ટતા કરી છે. એમણે કહ્યું કે, અમારી સરકાર આવ્યા બાદ વેદાંત-ફોક્સકોનના માલિકો સાથે બેઠક યોજી હતી. અમે તેમને સરકાર તરફથી શક્ય એટલી તમામ સુવિધા-સવલત આપવાની ખાતરી આપી હતી. પરંતુ, આ પ્રોજેક્ટને છેલ્લા બે વર્ષમાં જે પ્રતિસાદ મળ્યો હતો તે ઓછો હતો.

ગુજરાતે કરી વેદાંત-ફોક્સકોન સાથે ભાગીદારી

સેમી-કન્ડક્ટર ઉત્પાદન પ્લાન્ટ નાખવા માટે ગુજરાત સરકારે વેદાંત ગ્રુપ અને ફોક્સકોન સાથે ભાગીદારી કરી છે. ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ તથા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવની હાજરીમાં સમજૂતી કરારો પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા. બંને કંપની સાથે મળીને ગુજરાતમાં 1.54 લાખ કરોડનું મૂડીરોકાણ કરશે, જેને લીધે રાજ્યમાં નવી એક લાખ જેટલી નોકરીઓનું નિર્માણ થશે.