બેંગલુરુઃ તામિલનાડુના શહેર તિરુચિરાપલ્લીના જ્વેલરી બિઝનેસમાં સંકળાયેલા પ્રણવ જ્વેલર્સ ગ્રુપ સામે રૂ. 100 કરોડની પોન્ઝી (ગોલ્ડ સ્કીમ) અને છેતરપિંડીના કરાયેલા કેસ સાથે સંકળાયેલા એક મની લોન્ડરિંગના કેસમાં પૂછતાછ માટે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ દક્ષિણી ફિલ્મોના અભિનેતા પ્રકાશ રાજને સમન્સ મોકલ્યું છે.
ઈડી અમલદારોએ ગઈ 20 નવેમ્બરે પ્રણવ જ્વેલર્સને ત્યાં દરોડા પાડ્યા હતા અને રૂ. 23.70 લાખની શંકાસ્પદ લેવડદેવડવાળી રકમ અને કેટલુંક સોનાનું ઝવેરાત કબજે કર્યું હતું. 58 વર્ષીય પ્રકાશ રાજ આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે. એમને આવતા અઠવાડિયે ચેન્નાઈસ્થિત ED ઓફિસમાં હાજર થવાનું ફરમાન કરાયું છે.
પ્રકાશ રાજ ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટીકાકાર તરીકે જાણીતા છે. અવારનવાર એમની વિરુદ્ધ ટીકા કરતા હોય છે.
