મોહાલી (પંજાબ): ગયા બુધવારે જમ્મુ-કશ્મીરના અનંતનાગમાં ત્રાસવાદીઓ સામેની લડાઈમાં વીરગતિ પામેલા ભારતીય સેનાના કર્નલ મનપ્રીતસિંહના પાર્થિવ શરીરના આજે મોહાલી શહેરના મુલ્લાંપુર વિસ્તારમાં સંપૂર્ણ લશ્કરી સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. એ પહેલાં, સવારે શહીદ કર્નલના શોકગ્રસ્ત માતા એમનાં પુત્રનું પાર્થિવ શરીર સ્વીકારવા માટે એમનાં ઘરના દરવાજે ઊભાં રહ્યાં હતાં. મનપ્રીત સિંહના પાર્થિવ શરીરને નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. શહીદને આખરી વિદાય આપવા માટે એમના અનેક સગાંસંબંધીઓ અને ગામવાસીઓ મોટી સંખ્યામાં આવ્યાં હતાં. વાતાવરણ એ વખતે અત્યંત ગમગીન અને દુઃખમય બની ગયું હતું અને હાજર રહેલાઓમાં ઘણાની આંખો ત્યારે ભીની થઈ ગઈ હતી જ્યારે શહીદ મનપ્રીત સિંહનો 6 વર્ષનો પુત્ર લશ્કરી ગણવેશમાં સજ્જ થયો હતો અને પિતાને આખરી સલામી આપી હતી. કર્નલના પરિવારજનો ચોધાર આંસુએ રડતાં જોવા મળ્યાં હતાં. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે કર્નલના પાર્થિવ શરીર પર પુષ્પચક્ર અર્પણ કર્યું હતું.
ત્યારબાદ મનપ્રીત સિંહના પાર્થિવ શરીરને સ્મશાનભૂમિ ખાતે લઈ જવામાં આવ્યું હતું. અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયાં હતાં. શહીદ થયેલા કર્નલ મનપ્રીત સિંહના પરિવારમાં એમના માતા, પત્ની, છ વર્ષનો પુત્ર અને બે વર્ષની પુત્રી છે.