મહાદેવ ‘સટ્ટેબાજ’ એપ કૌભાંડઃ EDએ દરોડામાં રૂ. 417 કરોડ જપ્ત કર્યા

મુંબઈઃ ઓનલાઇન સટ્ટેબાજી પ્લેટફોર્મ મહાદેવ બુક એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરનાં લગ્ન UAEમાં થયાં હતાં. ત્યાં એ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિડિયો ભારતીય એજન્સીઓને હાથ લાગ્યો છે. એ સમારોહમાં અનેક બોલીવૂડ ગાયકો અને અભિનેતાઓને પર્ફોર્મ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા અને હવાલા દ્વારા રૂ. 200 કરોડથી વધુની ચુકવણી કરવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ હાલમાં મુંબઈ, ભોપાલ, કોલકાતાના એ હવાલા ઓપરેટરોને ત્યાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં રૂ. 417 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઓનલાઇન બુક બેટિંગ એપ ગેરકાયદે સટ્ટેબાજ વેબસાઇટોને સક્ષમ કરવા માટે ઓનલાઇન પ્લેટફોર્મની વ્યવસ્થા કરવાવાળી મુખ્ય સિન્ડિકેટ છે. એના દ્વારા બેનામી બેન્ક એકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. સટ્ટાથી થતી આવતને વિદેશી ખાતાંઓમાં મોકલવા માટે મોટા પાયે હવાલા ઓપરેશન કરવામાં આવે છે.

જેમણે એ UAEની ઇવેન્ટ માટે રકમ મુંબઈની ઇવેન્ટ કંપનીઓને મોકલી હતી. EDને તપાસમાં માલૂમ પડ્યું હતું કે મહાદેવ બુક એપ અને સટ્ટાબાજીનો આ મામલો છત્તીસગઢના કેટલાક રાજકારણીઓ, તેમના સહયોગીઓ અને પોલીસ અધિકારીઓ સાથે જોડાયેલો છે. આ સટ્ટાબાજી એપનું ટર્નઓવર આશરે રૂ. 20,000 કરોડ છે.

UAEમાં આયોજિત એ લગ્ન સમારંભમાં પર્ફોર્મ કરનારી યાદીમાં વિશાલ દદલાણી, ટાઇગર શ્રોફ, ભારતી, સિંહ સની લિયોની, ભાગ્યશ્રી, કૃષ્ણા અભિષેક, નેહા કક્કડ, એલી એવરામ, પુલકિત, કીર્તિ ખરબંદા, અલી અસગર, નુસરત ભરૂચા અને રાહત ફેતહ અલી ખાન અને આતિફ અસલમનો સમાવેશ થાય છે.