ચૂંટણી પંચનો સપાટોઃ રૂ. 2,626 કરોડની બિનહિસાબી રોકડ, શરાબ, સોનું જપ્ત

નવી દિલ્હી – લોકસભાની ચૂંટણી માટેની આદર્શ આચારસંહિત અમલમાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં ચૂંટણી પંચે કુલ રૂ. 2,626 કરોડની બિનહિસાબી રોકડ, ગેરકાયદેસર શરાબ, કેફી દ્રવ્યો, સોનું અને ભેટસોગાદો જપ્ત કર્યા છે.

ચૂંટણી પંચના અધિકારીઓએ આ માલ ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધીમાં જપ્ત કર્યો હતો.

જપ્ત કરાયેલા માલમાં રૂ. 607 કરોડની બિનહિસાબી રોકડ રકમ, રૂ. 198 કરોડનો ગેરકાયદેસર શરાબ, રૂ. 1,091 કરોડની કિંમતનાં કેફી પદાર્થો, રૂ. 486 કરોડનું સોનું તથા રૂ. 48 કરોડની કિંમતની અન્ય મફતની ભેટસોગાદોનો સમાવેશ થાય છે.

મુંબઈમાં 3 કરોડનું વિદેશી ચલણ જપ્ત

દરમિયાન મુંબઈમાં, ચૂંટણી પંચની મોબાઈલ વિજિલન્સ ટીમના અધિકારીઓએ માહિમ ઉપનગરમાં એક ટેક્સીમાંથી રૂ. 3 કરોડની વિદેશી ચલણી નોટો જપ્ત કરી હતી.

ચૂંટણી પંચે આ વિશે મુંબઈ પોલીસને જાણ કરી હતી અને પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.

ચૂંટણી પંચની મોબાઈલ વિજિલન્સ ટીમે એક કાળી-પીળી ટેક્સીમાંથી જુદા જુદા દેશોની ચલણી નોટો જપ્ત કરી હતી. આ નોટોની કિંમત ભારતીય રૂપિયા અનુસાર આશરે ત્રણ કરોડ જેટલી થવા જાય છે.

ટેક્સીમાં બેઠેલા બે શખ્સ પાસેથી રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ ચલણી નોટો કયા કામ કે કારણસર લઈ જવામાં આવી રહી હતી અને એ કોને આપવામાં આવનાર હતી એ વિશે પોલીસ આ બંને ઈસમની પૂછપરછ કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]