લોકસભા 2024નો ચૂંટણીજંગ PM મોદી વિ. કેજરીવાલ વચ્ચેઃ સિસોદિયા

નવી દિલ્હીઃ CBI દ્વારા નિવાસસ્થાને દરોડાના એક દિવસ પછી દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ શનિવારે દાવો કર્યો હતો કે 2024ની લોકસભાનો ચૂંટણીજંગ અરવિંદ કેજરીવાલ અને વડા પ્રધાનની વચ્ચે હશે. તેમણે આરોપ મૂક્યો હતો કે AAP સુપ્રીમોને ડરાવવા માટે કેન્દ્ર સરકાર દરેક પ્રકારના કાવાદાવાનો ઉપયોગ કરી રહી છે. દિલ્હીમાં નવી આબકારી નીતિ સંપૂર્ણ પારદર્શક રીતે લાગુ કરવામાં આવી હતી અને એમાં કોઈ કૌભાંડ નથી થયું. શિક્ષણ અને આરોગ્ય પર જેનાં કામની વિશ્વમાં ચર્ચા થઈ રહી છે એ અરવિંદ કેજરીવાલને ભાજપ રોકવા ઇચ્છે છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે સંવાદદાતાઓને કહ્યું હતું કે મારા પરિવારને કોઈ અસુવિધા નથી પહોંચી એટલે CBIનો હું આભાર માનું છું. તેઓ સારા અધિકારીઓ છે, પણ તેમને દરોડા પાડવાનો ઉપરથી આદેશ મળે છે. તેમણે દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીના નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની જીત પછી ભાજપની ચિંતા અરવિંદ કેજરીવાલ છે, જેમણે આ દેશવાસીઓનો પ્રેમ હાંસલ કર્યો છે અને એક રાષ્ટ્રીય વિકલ્પના રૂપમાં ઊભર્યા છે.

જોકે સિસોદિયાના નિવેદન મુદ્દે આસામના મુખ્ય પ્રધાન હેમંત બિશ્વા સરમાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આ એક સારો ખેલ હશે. કેટલાંય રાજ્યોમાં લોકો અરવિંદ કેજરીવાલને ઓળખતા જ નહીં હોય.

દિલ્હીના આરોગ્યના મોડલ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે દિલ્હી મહોલ્લા ક્લિનિક દેશમાં આરોગ્ય સેવાનું મોડલ ના બની શકે. જો દિલ્હીનું મહોલ્લા ક્લિનિક દેશનું આરોગ્યનું મોડલ છે તો કોઈ પણ ભારત નહીં આવે અને આરોગ્ય સેવાના મોડલના રૂપે નહીં જુએ, એમ તેમણે કહ્યું હતું.