ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડની શક્યતા

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ગમેત્યારે ધરરપકડ થવાની શક્યતા છે. તેમની ધરપકડ ફેડરલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (FIA) દ્વારા સમન્સ મોકલ્યા પછી થાય એવી શક્યતા છે. ગેરકાયદે ફન્ડિંગ મામલે FIAએ ઇમરાન ખાનને તપાસ માટે બુધવારે સમન્સ મોકલ્યા હતા, પણ ઇમરાને હાજર થવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ તેમને બીજો સમન્સ મોકલવામાં આવ્યો હતો. તેમ છતાં તેઓ તપાસ એજન્સીની સામે હાજર નહોતા થયા.

ઇમરાન ખાને FIAને પત્ર લખીને ચેતવણી આપી હતી કે હું તમને જવાબ આપવા બંધાયેલો નથી. જો બે દિસવમાં નોટિસ પરત લેવામાં નહીં આવે તો તમારી સામે કાનૂની કાર્યવાહી કરીશ. અહેવાલો કહે છે કે સતત સમન્સ મોકલવા છતાં રજૂ ન થતાં FIA તેમની ધરપકડ કરે એવી શક્યતા છે. તેમની ધરપકડનો અંતિમ નિર્ણય ત્રણ નોટિસો મોકલ્યા પછી લેવામાં આવશે.

FJAને ઇમરાન ખાનથી સંકળાયેલી પાંચ કંપનીઓ વિશે માલૂમ પડ્યું છે. આ કંપનીઓ USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટેન અને બેલ્જિયમમાં છે. ઇમરાન ખાન દ્વારા પાકિસ્તાનના ચૂંટણી પંચને સોંપેલી રિપોર્ટમાં આ કંપનીઓનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે FIAની પાસે ઇમરાન ખાનની સામે પર્યાપ્ત પુરાવા છે. એજન્સી તરફથી ત્રીજી અને અંતિમ નોટિસ આગામી સપ્તાહે જારી થવાની સંભાવના છે.