ભારત સાથે શાંતિપૂર્ણ-સંબંધો ઈચ્છે છે પાકિસ્તાની-PM શરીફ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના અગ્રગણ્ય ‘ડોન’ અખબારના એક અહેવાલ મુજબ, દેશના વડા પ્રધાન શાહબાઝ શરીફે સમાનતા, ન્યાય અને પરસ્પર સમ્માનના સિદ્ધાંતોને આધારિત અને ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધો બનાવવાની કશ્મીર પ્રશ્નનો ઉકેલ લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. શરીફે દક્ષિણ એશિયા વિસ્તારમાં ટકાઉ શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે ‘સુવિધાજનક ભૂમિકા’ ભજવવાની દુનિયાના દેશોને વિનંતી કરી છે. શરીફે આ ઈચ્છા પાકિસ્તાનસ્થિત ઓસ્ટ્રેલિયાના નવા નિમાયેલા હાઈ કમિશનર નીલ હોકિન્સ સાથે ગઈ કાલની બેઠક દરમિયાન વ્યક્ત કરી હતી એમ ડોન અખબારે વડા પ્રધાનના કાર્યાલયને ટાંકીને જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કશ્મીર પ્રશ્ને તેમજ પાકિસ્તાનમાંથી ફેલાવાતા ભારત-વિરુદ્ધના આતંકવાદને કારણે બંને દેશ વચ્ચેના સંબંધ કડવા થઈ ગયા છે.