EDએ કેજરીવાલને મોકલ્યા ચોથા સમન્સ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી લીકર કૌભાંડ મામલે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને ચોથી વાર સમન્સ મોકલ્યા છે. આ પહેલાં આપવામાં આવેલી નોટિસ પર કેજરીવાલ EDની સમક્ષ હાજર નહોતા થયા. કેજરીવાલે એને ગેરકયદે ગણાવ્યા છે. હવે ચોથા સમન્સ જારીને EDએ કેજરીવાલને 18 જાન્યુઆરીએ ફરી બોલાવ્યા છે.

આમ આદમી પાર્ટીના નેતા (AAP)ઓ પણ ED દ્વારા CM અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલા સમન્સને રાજકીય રીતે પ્રેરિત અને બિનજરૂરી ગણાવી રહ્યા છે. AAP નેતાઓનો આરોપ છે કે ભાજપના નેતાઓ કોઈક રીતે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા ઈચ્છે છે. જ્યારે અરવિંદ કેજરીવાલ પાસે છુપાવવા જેવું કંઈ નથી. તેમણે એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કર્યો નથી. CM અરવિંદ કેજરીવાલે પોતે કહ્યું છે કે તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે. પરંતુ ED સમક્ષ હાજર થતાં પહેલાં ED તેમના સવાલોના જવાબ આપે. આપના નેતાઓનું એમ પણ કહેવું છે કે EDનું આ સમન્સ પણ અગાઉના સમન્સની જેમ ગેરકાયદે છે. તેમણે તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને તેને પાછી ખેંચવાની માંગ કરી હતી.

આપ નેતા જૈસ્મિન શાહનું કહેવું છે કે લિકર કેસની તપાસ છેલ્લા બે વર્ષથી જારી છે, પરંતુ અત્યાર સુધી EDએ પુરાવા યોગ્ય રીતે એકત્ર નથી કર્યા અને EDએ 500થી વધુ સાક્ષીઓથી પૂછપરછ કરી છે અને 1000થી વધુ દરોડા પાડ્યા છે, પણ અત્યાર સુધી એક પણ રૂપિયો જપ્ત નથી કરી શકી. તેમણે કહ્યું હતું કે આ ઇન્ડિયા ગઠબંધનના ટોચના નેતાઓને નિશાન બનાવવા અને ચૂંટણીપ્રચાર કરવાથી અટકાવવા માટે લોકસભા ચૂંટણી પહેલાં કેજરીવાલની ધરપકડ કરવાનું કાવતરું છે.

આ પહેલા EDએ અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બર 2023, 21 ડિસેમ્બર 2023 અને ત્રીજી જાન્યુઆરી 2024એ પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે ત્રણેય વખત દિલ્હી સીએમ પૂછપરછ માટે તેઓ હાજર થયા નહોતા. અરવિંદ કેજરીવાલ ત્રણ જાન્યુઆરીની પૂછપરછમાં હાજર રહ્યા ન હતા અને કહ્યું હતું કે ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સ ગેરકાયદે છે અને તેનો એકમાત્ર હેતુ તેની ધરપકડ કરવાનો છે.