EDએ BBCની સામે FEMA હેઠળ કેસ નોંધ્યો

નવી દિલ્હીઃ ન્યૂઝ બ્રોડકાસ્ટર BBCની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) FEMA એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. કંપની પર ફોરેન એક્સચેન્જના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. EDએ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની (BBC) ઇન્ડિયાની વિરુદ્ધ ફોરેન કરન્સી મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કથિત વિદેશી કરન્સીનો કેસ નોંધ્યો છે.

આ પહેલાં ફેબ્રુઆરી, 2023માં આવકવેરા વિભાગે નવી દિલ્હી, મુંબઈમાં BBC પ્રાંગણમાં સર્વે કર્યો હતો, જેમાં એ આરોપ લગાવવામાં આવ્યો હતો કે ટ્રાન્સફર પ્રાઇસિંગ નિયમોનું પાલન નહોતું થયું અને નફો ટ્રાન્સફર કર્યો હતો.સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે કેન્દ્રીય આર્થિક તપાસ એજન્સી દ્વારા BBC ઇન્ડિયાના કેટલાક અધિકારીઓના દસ્તાવેજો અને તેમનાં નિવેદનોનાં રેકોર્ડિંગ માગવામાં આવ્યાં છે.

ED દ્વારા આ પગલું ફેબ્રુઆરીમાં દિલ્હી સ્થિત BBCની ઓફિસમાં આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલા દરોડા અને તપાસ પછી ભરવામાં આવ્યું છે. CBDTએ ત્યારે BBC India વિશે કહ્યું હતું કે BBC ગ્રુપમાં કેટલીક સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી આવક અને નફો- દેશમાં તેમના સંચાલનના હિસાબે યોગ્ય રીતે દેખાતાં નથી અને ટેક્સની ચુકવણી નથી કરી, જ્યારે વિદેશી સંસ્થાઓ દ્વારા કંપનીને નાણાં આપવામાં આવ્યાં છે.

બ્રિટિશ કંપની BBC છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં સતત ચર્ચામાં બનેલી છે. BBCએ ગુજરાતનાં રમખાણો પર એક ડોક્યુમેન્ટરી તૈયાર કરી હતી, જેમાં PM મોદીની છબિને ખરાબ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ દેશમાં ડોક્યુમેન્ટરીના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ડોક્યુમેન્ટરીને લઈને ઊઠેલા વિવાદની વચ્ચે ફેબ્રુઆરીમાં આવકવેરા વિભાગે BBC Indiaની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને કેટલાક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી.