રામચંદ્ર ગુહાના ટ્વીટ પર ભડક્યા નાણામંત્રીઃ આપ્યો કડક જવાબ

નવી દિલ્હીઃ ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બ્રિટિશ લેખક અને સામ્યવાદી વિચારસરણીના ફિલિપ સ્પ્રાટને ટાંકીને કરેલા એક ટ્વીટે વિવાદ છેડ્યો છે. ગુહાએ પોતાના ટ્વીટમાં એવું લખ્યું હતું કે,‘ ગુજરાત ભલે આર્થિક રીતે સમૃદ્ધ હોય પરંતુ સાંસ્કૃતિક રીતે પછાત છે. જેની સામે બંગાળ આર્થિક રીતે ભલે પછાત છે પરંતુ સાંસ્કૃતિક રીતે આગળ પડતું છે.’ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુહાના ટ્વીટના જવાબમાં ટ્વીટ કર્યું હતું કે, ‘પહેલાં બ્રિટિશરોએ ભારતના ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો હતો, હવે ઉચ્ચ વર્ગના લોકોનું જૂથ આ કામ કરી રહ્યું છે. ભારતીયો તેમની જાળમાં ફસાશે નહીં. ગુજરાત મહાન છે, બંગાળ મહાન છે અને ભારત અખંડ છે.’ ગુહાના એ ટ્વીટ સામે ગુજરાતમાં વર્ષોથી વસતાં બંગાળી અગ્રણીઓ અને બિન-ગુજરાતી  સમાજનાં લોકોએ કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને પણ ગુહાને જવાબ આપ્યો છે. જોકે ગુહાએ પોતાનો કક્કો ખરો કરવા માટે સામ્યવાદી લેખકને વખાણવાનું ચાલુ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2018માં ઓક્ટોબરમાં ગુહાની અમદાવાદ યુનિવર્સિટીમાં નિમણૂક થઇ હતી. જોકે તેમનો ભારે વિરોધ થતાં તેમણે યુનિવિર્સિટીમાં જોડાવાની ના પાડી હતી. બ્રિટિશ સામ્યવાદી લેખક ફિલિપ સ્પ્રાટ 19મી સદીના આરંભમાં સામ્યવાદના પ્રચાર માટે ભારત આવ્યાં હતાં.

આ મામલે નિર્મલા સિતારમણે ટ્વીટ કરીને જવાબ આપતા કહ્યું કે, કમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ સાથે જોડાયેલા બ્રિટન વાસી ફિલિપ સમ્રાટે જ્યારે આ લખ્યું ત્યારે, ગુજરાતમાં જામનગર મહારાજા જામ સાહેબે પોલેન્ડના 1000 બાળકોને બચાવ્યા હતા. #સંસ્કૃતિ

બાદમાં તરત જ ગુહાએ ટ્વીટ કર્યું કે, મને લાગતું હતું કે માત્ર ગુજરાતના મુખ્યમંત્રીએ ટિપ્પણી કરી પરંતુ હવે લાગે છે કે, નાણામંત્રીને પણ એક સામાન્ય ઈતિહાસકારનું ટ્વીટ સતાવી રહ્યું છે. અર્થવ્યવસ્થા નિશ્ચિત રુપે સુરક્ષિત હાથોમાં છે.

આ મામલે ગુહા પર કટાક્ષ કરતા સિતારમણે કહ્યું કે, અર્થવ્યવસ્થા નિશ્ચિત રુપથી સુરક્ષિત હાથોમાં છે. ચિંતા કરવાની કોઈ જરુર નથી શ્રીમાન ગુહા. વર્તમાન રાષ્ટ્રીય ચર્ચા પર વિચારોની નોંધ લેવી તેમજ જવાબદારીથી પોતાનું કામ કરવું કોઈ વિશેષ વાત નથી. નિશ્ચિત રુપે આપ જેવા બુદ્ધિજીવી વ્યક્તિને આ સમજાવું જોઈએ.

જાણીતા લેખક અને પત્રકાર વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું કે, ગુહાની આ ઇતિહાસને લગતી મિસ્ચીફ છે.  ગુજરાતી વડાપ્રધાન છે એ તેમને પેટમાં દુખે છે. તેઓ ગુજરાત અને બંગાળ વચ્ચે ખાઇ પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફિલિપ સ્પ્રાટ સામ્યવાદી લેખક હતા. જેને જોયા જાણ્યા વગર ગુહાએ કટ, કોપી, પેસ્ટ કર્યા છે.

ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના વડા પ્રો અરુણ  વાઘેલાએ કહ્યું કે, આટલા મોટા ગજાનાં ઇતિહાસકારને ગુજરાતનો ભવ્ય સાંસ્કૃતિક ઇતિહાસ ન ખબર હોય તે શરમજનક બાબત છે. હડપ્પા-સિંધુ સંસ્કૃતિનાં મોટા મથકો ગુજરાતમાં છે. વલ્લભી બૌદ્ધ ધર્મનું મોટું કેન્દ્ર રહ્યું છે. વર્લ્ડ હેરીટેજ રાણકી વાવ અને ચાંપાનેર અહીં છે.

કાલીબારી અમદાવાદના પૂર્વ પ્રમુખ એસ. ચક્રવર્તીના જણાવ્યું કે, હું 40 વર્ષથી ગુજરાતમાં રહું છું. આ પ્રકારની સરખામણી બિનજરૂરી છે. ગુહાએ પોલિટિકલ ટ્વીટ કરીને ગુજરાત-બંગાળ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતની ભવ્ય સંસ્કૃતિનાં અમે સાક્ષી રહ્યા છીએ.

એસપી યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ એપ્લાઇડ એન્ડ ઇન્ટરડીસીપ્લીનરી સાયન્સીસના વડા પ્રો. સુનિલ ચાકીએ કહ્યું કે, ગુજરાતમાં ભવ્ય સ્થાપત્યોમાં મંદિરો અને વાવ છે. ગુજરાતમાં વડીલોને માન આપવાની સંસ્કૃતિ છે. અહીં પીસી વૈધ જેવા ગણિતજ્ઞો તો નર્મદ, મેઘાણી અને નરસિંહ મહેતા જેવા સર્જકો પણ ગુજરાતને મળ્યા છે. ગુજરાત સાંસ્કૃતિક વારસામાં જરાય ઉતરતું નથી.’