ટ્રેન ટિકિટ બુક કરાવ્યા છતાં MP યાત્રા નહીં કરે તો ભાડૂં વસૂલાશેઃ રાજ્યસભા  

નવી દિલ્હીઃ વર્તમાન સમયમાં અર્થતંત્રમાં જ્યારે અનેક ત્રિમાસિક ગાળાથી મંદીનો માહોલ છે ત્યારે રાજ્યસભાના સચિવાલયે ભારતીય રેલવેને રાજ્યસભાના સભ્યો દ્વારા ફ્રી ટ્રાવેલ માટે રૂ. આઠ કરોડની ચુકવણી કરી છે. 2019નું સભ્યો માટેનું બિલ સામાન્ય કરતાં ઘણું વધુ છે. રેલવેએ આ માટે સંસદસભ્યો દ્વારા ટિકિટોના બુકિંગ કરી કેન્સલ નહીં કરાવવાનો ગંભીર ગેરરીતિનો આરોપ મૂક્યો છે, પણ હવે રાજ્યસભાનો કોઈ સભ્ય હવે જો ટ્રેનની ટિકિટ બુક કરાવ્યા પછી યાત્રા નથી કરતો તો તેણે (સંસદસભ્યએ) જ એ ટિકિટના ભાડાની ચુકવણી કરવી પડશે.

રાજ્યસભાના સભ્યો દ્વારા વિશેષાધિકારોનો દુરુપયોગ

રાજ્યસભાના સંસદસભ્યો તેમનાં ભથ્થાં અને વિશેષાધિકારોનો દુરુપરયોગ કરતા હોવાનું માલૂમ પડ્યું છે. દેશમાં કોરોના વાઇરસની કટોકટી હોવા છતાં તેમના દ્વારા આ બાબતને સતત અવગણવામાં આવી રહી છે, જેથી જાહેર નાણાંનો વ્યય થઈ રહ્યો છે. જેથી રાજ્યસભાના મુખ્ય સચિવ દ્વારા સભ્યોને માટે જારી થયેલા કડક નિર્દેશમાં આ માહિતી આપવામાં આવી છે. આમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ટિકિટ બુક કરાવ્યા પછી જેતે સંસદસભ્ય યાત્રા નહીં કરે તો તેની આગળની યાત્રાના હિસાબમાં સમાવેશ નહીં કરવામાં આવે.

સંસદસભ્યના પગારમાંથી ભાડું વસૂલાશે

આ ઉપરાંત જો આ બાબતનું ઉલ્લંઘન થશે તો તેમના પગારમાંથી ટિકિટના પૈસા કાપવામાં આવશે. રાજયસભાના ભવનના મુખ્ય સચિવે દીપક વર્માએ સંસદસભ્યોને મોકલેલા પત્રમાં કહ્યું છે કે તેઓ યાત્રા ના કરે, ટ્રેનનું બુકિંગ કેન્સલ કરાવે અને જો આવું નહીં કરે તો ટ્રેનનું ભાડું તેમની પાસેથી વસૂલવામાં આવશે.

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે રેલવે મંત્રાલયે ચુકવણીના દાવાની વિગતો આપી હતી, જે મુજબ કેટલાક સભ્યોએ એક જ દિવસમાં અથવા બીજાં સ્ટેશનોથી ઊપડતી કેટલીક ટ્રેનોમાં ટિકિટ બુક કરાવી હતી. રાજ્યસભા સચિવાલયે એ ટિકિટની ચુકવણી પણ કરવી પડે છે, જેનો સભ્યોએ ઉપયોગ નથી કર્યો. નિયમો મુજબ સંસદસભ્યો ટ્રેનના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં યાત્રા કરી શકે છે. અને એનાથી નીચેની શ્રેણીવાળા ડબ્બામાં પોતાની સાથે કોઈને પણ યાત્રા કરાવી શકે છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]