હવે ‘શહેનશાહ’ બતાવશે રસ્તોઃ ગૂગલ સાથે વાટાઘાટ ચાલે છે

નવી દિલ્હીઃ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન જેની સાથે જોડાય તે ખાસ બની જાય છે. ખાસ કરીને તેમનો અવાજ કોઈપણ ડાયલોગ, જાહેરખબર અથવા કોઈ સામાજિક સંદેશને અત્યંત પ્રભાવી અને આકર્ષક બનાવી દે છે. હવે અમિતાભ બચ્ચનના અવાજને લોકોને રસ્તો બતાવવા માટે પણ ઉપયોગમાં લેવાય તેવી શક્યતા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના અવાજનો ઉપયોગ હવે જીપીએસ નેવિગેશન માટે પણ ઉપયોગમાં લેવાય તેવી શક્યતા છે. આના માટે ગૂગલે અમિતાભ બચ્ચનનો સંપર્ક કર્યો છે. કંપની પોતાની મેપ્સ એપ્લિકેશન ગૂગલ મેપ્સમાં વોઈસ કમાન્ડ તરીકે અમિતાભ બચ્ચનના અવાજનો ઉપયોગ કરવા માંગે છે.

જો કે, અમિતાભ બચ્ચને હજી સુધી આ વિષય પર કોઈ નિર્ણય કર્યો નથી. પ્રાપ્ત વિગતો અનુસાર તેમણે ગગૂલ પાસેથી આ કામ માટે મોટી રકમની માંગ કરી છે.

જો અમિતાભ અને ગૂગલ વચ્ચે આ મામલે વાત પાક્કી થાય તો તે પોતાના ઘરેથી વોઈસ રેકોર્ડ કરશે કે જેથી વર્તમાન સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરી શકાય. અત્યારસુધી વિશ્વભરમાં ગૂગલ મેપ્સ માટે મુખ્ય રુપે કેરન જૈકબસનના અવાજનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકામાં રહેનારી ઓસ્ટ્રેલિયાઈ મૂળની જૈકબસન ગૂગલ મેપ્સનો જાણિતો અવાજ છે. તેમના અવાજનો ઉપયોગ એપલના વોઈસ આસિસ્ટન્ટ સીરી માટે પણ કરવામાં આવ્યો છે.

અમિતાભ પહેલા આમિર ખાન પણ ગૂગલ મેપ્સ માટે અવાજ આપી ચૂક્યા છે. જો કે, એ આમિરની ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાનના પ્રમોશન કેમ્પેઈનનો એક ભાગ હતો. જો અમિતાભ સાથે સહમતી બનશે તો જલ્દી જ દેશના શહેરોથી લઈને ગામડા સુધી આ જ અવાજ પર લોકોને રસ્તો મળશે.