ચેન્નાઈઃ કલકત્તા હાઈકોર્ટ બાદ હવે મદ્રાસ હાઈકોર્ટે પણ ચૂંટણી પંચની ઝાટકણી કાઢી છે અને દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરના ફેલાવામાં ચૂંટણી પંચ તદ્દન બેજવાબદાર તરીકે વર્ત્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલ આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. તમામ રાજ્યોમાં બીજી મેએ મતગણતરી હાથ ધરાશે અને પરિણામ જાહેર કરાશે. મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશોએ ચૂંટણી પંચની ઝાટકણી કાઢતા કહ્યું કે કોરોનાવાઈરસ મહાબીમારી ફેલાઈ હોવા છતાં રાજકીય પક્ષોએ બેફામપણે ચૂંટણી રેલીઓ યોજી છે.
મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજીબ બેનરજીએ ચૂંટણી પંચના વકીલને કહ્યું કે, કોવિડ-19ની બીજી લહેરના ફેલાવા માટે માત્ર તમારી સંસ્થા જ જવાબદાર છે. તમારા અધિકારીઓ પર કદાચ હત્યાના આરોપ પણ મૂકવા જોઈએ. એક જનહિતની અરજી પરની સુનાવણીમાં ચીફ જસ્ટિસ બેનરજી અને ન્યાયમૂર્તિ સેન્થિલકુમાર રામમૂર્તિએ એવી ચેતવણી પણ આપી હતી કે જરૂર જણાશે તો ન્યાયતંત્ર બીજી મેએ મતગણતરી અટકાવતા પણ અચકાશે નહીં.