નવી દિલ્હીઃ સામાન્ય જનતાને મોંઘવારીના મારથી જલદી રાહત મળવાની છે. સરકારે બ્રેડ અને બિસ્કિટથી માંડીને લોટની કિંમત ઘટાડવા માટે ગોદામોમાંથી જમા ઘઉંને ખુલ્લા બજારમાં વેચ્યા છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI)એ ઈ-લિલામીના પાંચમા તબક્કામાં લોટની મિલો અન્ય જથ્થાબંધ ઉપભોક્તાઓને 5.39 લાખ ટન ઘઉં વેચ્યા છે. સરકારના આ પગલાથી ખુલ્લા બજારમાં ઘઉંની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે. આ જત્થાબંધ ગ્રાહકોમાં અનેક લોટની મિલોથી માંડીને કન્ફેક્શનરી એકમો સામેલ છે. આવામાં એની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા છે.
ખાદ્ય મંત્રાલયના અનુસાર ઘઉં અને ઘઉંના લોટની છૂટક કિંમતો ઘટાડવાના પગલાં હેઠળ છેલ્લા ચાર તબક્કામાં આશરે 23.47 લાખ ટન ખુલ્લા બજાર વેચાણ યોજના (OMSS હેઠળ જથ્થાબંધ ઉપયોગકર્તાઓને વેચવામાં આવ્યા છે. આગામી સાપ્તાહિક ઈ-લિલામી 15 માર્ચે થશે. ઈ-લિલામીનો પાંચમો તબક્કો આયોજિત કરવામાં આવ્યો હતો અને FCIના 23 વિસ્તારોમાં સ્થિત 657 ડેપોથી લગભગ 11.88 લાખ ટન ઘઉં વેચાણ માટે રાખવામાં આવ્યા છે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે 1248 ટન્ડરદાતાઓને આશરે 5.39 લાખ ટન ઘઉં વેચવામાં આવ્યા હતા. સરેરાશ અનામત મૂલ્ય રૂ. 2140.49 પ્રતિ ક્વિન્ટલને મુકાબલે ભારિત સરેરાશ વેચાણ મૂલ્ય રૂ. 2197.91 પ્રતિ ક્વિન્ટલ હતું. લિલામીના ચાર તબક્કામાં વેચાયેલા આશરે 23.47 લાખ ટન ઘઉંમાં 19.51 લાખ ટનનો ઉપાડ ખરીદદારોએ કરી લીધો છે. પહેલી લિલામી પછી OMSS હેઠળ ઘઉંનું વેચાણ 45 લાખ ટનની કુલ ફાળવણીને મુકાબલે 28.86 લાખ ટન સુધી પહોંચી હતી. આ પ્રકારના વેચાણે દેશમાં ઘઉંની અને ઘઉંના લોટની કિંમતને ઘટાડવા મહત્ત્વપૂર્ણ અસર કરશે.