મહારાષ્ટ્રમાં નાણાકીય તંગીને કારણે પ્રતિદિન આઠ ખેડૂતોનાં મોત

મુંબઈઃ આર્થિક તંગી અને પાકોની ઘટતી કિંમતો સહિત અન્ય કારણોને કારણે પ્રતિ દિન સરેરાશ આઠ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. મહારાષ્ટ્રના કૃષિ સમાજમાં ખેડૂતોની આત્મહત્યાથી મોત ચિંતાનો વિષય બનેલો છે. રાજ્ય સરકારના આંકડા અનુસાર એકનાથ શિંદે સરકારમાં છેલ્લા સાત મહિનામાં 1203 ખેડૂતોનાં મોત આત્મહત્યાને કારણે થયાં છે, જ્યારે એ પહેલાંની ઉદ્ધવ સરકારના અઢી વર્ષના શાસનમાં 1660 ખેડૂતોનાં મોત થયાં હતાં, એમ રાજ્ય સરકારનો ડેટા કહે છે.

ડેટા અનુસાર વર્ષ 2014થી 2019ની વચ્ચે ફડણવીસના નેતૃત્વવાળી ભાજપ સરકાર દરમ્યાન 5061 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ડેટાનો હવાલો આપતાં NCP નેતા અને વિરોધ પક્ષના નેતા અજિત પવારે કહ્યું હતું કે શિંદે-ફડણવીસ સરકાર હેઠળ ખેડૂતોની આત્મહત્યા વધી છે અને તેમણે સતારૂઢ સરકાર ખેડૂતોની સમસ્યાઓ પ્રત્યે અસંવેદનશીલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

અમે કોઈ વ્યક્તિ કે ખાસ મુખ્ય મંત્રીને દોષ આપવા નથી માગતા, પણ એ કઠોર વાસ્તવિકતા છે કે ખેડૂતો મોટી સંખ્યામાં શિંદે સરકારના શાસનમાં આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોની આત્મહત્યા પાછળ મુખ્ય કારણ નાણાકીય તંગી છે. તેમણે કહ્યું હતું કે મરાઠવાડા ક્ષેત્રમાં છેલ્લા બે મહિનામાં 62 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી,જ્યારે બીડ જિલ્લામાં કુલ 22 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. NCP પ્રમુખે ડુંગળીના ખેડૂતોને મદદ કરવા અથવા સબસિડી આપવામાં નિષ્ફળ રહેવા બદલ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.

છેલ્લાં આઠ વર્ષોમાં કુલ 7444 ખેડૂતોનાં મોત થયાં છે, જેમાં શિંદે સરકારના શાસનમાં જુલાઈ-2022થી જાન્યુઆરી, 2023 દરમ્યાન 1023 ખેડૂતોનાં મોત થયાં છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]