રેલવેએ બધી પેસેન્જર ટ્રેનો ત્રીજી મે સુધી રદ કરી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના જોખમને જોતાં અને એનો ચેપ વધારે ફેલાય નહીં એના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી મે, 2020 સુધી દેશભરમાં લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. આ લોકડાઉનને ધ્યાનમાં રાખતાં ઇન્ડિયન રેલવે દ્વારા પ્રીમિયમ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો, ઉપનગર ટ્રેનો, કોલકાતા મેટ્રો ટ્રેનો, કોંકણ રેલવે સહતિ બધી પેસેન્જર્સ ટ્રેન સેવાઓને ત્રીજી મે, 2020 સુધી 24 કલાક રદ રહેશે.

માલ અને પાર્સલ ગાડીઓ ચાલુ રહેશે

આ સિવાય ભારતીય રેલવે દ્વારા કરાયેલી જાહેરાત મુજબ દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પરુવઠો પહોંચાડવા માટે માલ અને પાર્સલ ગાડીઓની આવ-જા ચાલુ રાખવામાં આવશે.આ સાથે પેસેન્જર ટિકિટ બુકિંગ ત્રીજી મો સુધી બંધ કરવામાં આવી છે.રેલવે સ્ટેશનો અને રેલવે સ્ટેશનના વિસ્તારમાં રિઝર્વ-અનરિઝર્વ પ્રવાસ માટે રેલવે પ્રવાસની ટિકિટોનાં બુકિંગ માટે બધાં કાઉન્ટર ત્રીજી મે, 2020 સુધી બંધ રહેશે, એમ રેલવે મંત્રાલયના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજેશ દત્ત વાજપેયીએ આપી હતી.

આ પહેલાં રાષ્ટ્રને નામ સંબોધનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ત્રીજી મે સુધુ દરેક દેશવાસીઓએ લોકડાઉનમાં ઘરે જ રહેવું પડશે. આગામી એક સપ્તાહમાં કોરોના સામેની લડાઈમાં સખતાઈ વધારવામાં આવશે. તેમણે કહ્યું હતું કે કોઈએ બેજવાબદારી કરવી ના જોઈએ અને કોઈને બેજવાબદાર વર્તણૂક કરવા દેવાની છે. આ માટે સરકાર દ્વારા એક વિસ્તૃત ગાઇડલાઇન જારી કરવામાં આવશે.