રાજ્યમાં 45 નવા પોઝિટીવ કેસઃ અમદાવાદમાં 31

ગાંધીનગરઃ રાજ્યમાં દિવસને દિવસે કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે. સતત વધી રહેલા કોરોના વાયરસના પોઝિટિવ કેસો રાજ્ય અને રાજ્ય સરકાર માટે એક ચિંતાનો વિષય બન્યા છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઈને સ્થિતિ જોતા આજે વડાપ્રધાન મોદીએ આગામી 3 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં અત્યાર સુધીના કુલ પોઝિટીવ દર્દીઓની સંખ્યા 617 પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં આજે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 45 છે, જ્યારે એક વ્યક્તિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. કુલ દર્દીઓમાં 9ની હાલત ગંભીર જણાતા તેઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 527 લોકો સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 55 લોકોએ કોરોના સામેની લડાઈમાં જીત મેળવી છે એટલે કે તેમને ડીસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 26નો છે.

રાજ્યમાં આજે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ વિશે જાણીએ તો અમદાવાદમાં આજે નવા 31 કેસ સામે આવ્યા છે, જેમાં 13 પુરુષો અને 18 મહિલાઓનો સમાવેશ થાય છે. સુરતમાં નવા 9 કેસમાં 4 પુરુષ અને 5 મહિલાઓ છે. ભાવનગરમાં નવો કેસ જેમાં એક પુરુષ છે. મહેસાણામાં નવા 2 કેસ જેમાં બન્ને પુરુષો સંક્રમિત છે. દાહોદમાં એક નવો કેસ, ગાંધીનગરમાં 1 એમ કુલ 45 દર્દીઓ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોને શોધવા માટે ગત 24 કલાક દરમિયાન કરેલા ટેસ્ટની વાત કરીએ તો 1996 ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેમાં 79 પોઝિટીવ અને 1917 નેગેટીવ આવ્યા છે. તેવી રીતે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 14980 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેમાં 617 લોકો કોરોના પોઝિટીવ અને 14363 લોકોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.